વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
એક જ દીકરી ધરાવતા અને અનાથ દીકરીને દત્તક લેનાર પરિવારોનું કરાયું બહુમાન.
ભુજ,તા-૨૧ ઓક્ટોબર : જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી કચ્છ અને કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના ના સંયુક્ત ઉપક્રમે ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન અંતર્ગત ભુજ સ્થિત કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર ખાતે ‘પાંજી ધી પાંજી શાન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજમાં દીકરીઓનું ગૌરવ વધે,કન્યા કેળવણીને પ્રોત્સાહન મળે અને દીકરીઓ પ્રત્યેની સામાજિક માનસિકતામાં સકારાત્મક બદલાવ આવે તેવા ઉમદા હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમની શરૂઆતમાં સમાજ માટે પ્રેરણારૂપ બનેલા વિશિષ્ટ પરિવારોનું બહુમાન કરવામાં આવ્યું હતું.જેમાં માત્ર એક જ દીકરી ધરાવતા હોય તેવા પરિવારો તેમજ અનાથ દીકરીને દત્તક લઈ ઉછેરતા પરિવારોનું વિશેષ સન્માન કરી તેમની આ ઉમદા અને પ્રશંસનીય ભાવનાને બિરદાવવામાં આવી હતી.આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ‘ડિનર વિથ લાડલી’ રહ્યું હતું.માત્ર દીકરીઓ જ ધરાવતા પરિવારોએ પોતાની લાડકવાઈ દીકરીઓ સાથે બેસીને ભોજનનો આનંદ માણ્યો હતો.આ ઉપરાંત, દીકરીઓ અને તેમના માતા-પિતા વચ્ચેની આત્મિયતા વધુ સુદ્રઢ બને અને તેઓ એકબીજાને વધુ સારી રીતે સમજી શકે તે માટે વિવિધ મનોરંજક અને રસપ્રદ રમતો રમાડવામાં આવી હતી. આ રમતોમાં પરિવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા હતા.કાર્યક્રમ દરમિયાન દીકરીઓ દ્વારા સુંદર પ્રસ્તુતિઓ પણ કરવામાં આવી હતી. જેમાં સહભાગી દીકરી આયુષીબેન પલણ દ્વારા ગણેશ વંદના પ્રસ્તુત કરવામાં આવી હતી, જ્યારે એક નાનકડી દીકરી નાયસા ભટ્ટે હનુમાન ચાલીસાનું પઠન કરી સૌને મંત્રમુગ્ધ કર્યા હતા.કચ્છ-મોરબી વિસ્તારના લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડાએ આ કાર્યક્રમની વિશેષ સરાહના કરીને શુભેચ્છા સંદેશ મોકલી આપ્યો હતો. તેઓએ ટેલિફોનિક માધ્યમથી જોડાઈને કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ દીકરીઓ અને તેમના વાલીઓને દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા.આ કાર્યક્રમમાં ચાઇલ્ડ વેલ્ફેર સમિતિના ચેરમેન રીટાબેન તથા સમિતિના તમામ સભ્યો, કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રના પ્રમુખ કમળાબેન વ્યાસ અને તેમના કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી ભાવનાબેન ગરવલીયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની સમગ્ર ટીમે જવાબદારી નિભાવી હતી.











