MORBI:મોરબી વીસીપરા અમરેલી રોડ પર બંધ ઓરડીમાંથી ₹૨.૮૮ લાખનો વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો, બે ભાઈઓ સામે ગુનો દાખલ

મોરબી સિટી બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે વીસીપરા અમરેલી રોડ પર આવેલા દશામાના મંદિર પાસેના વાડી વિસ્તારમાં દરોડો પાડીને એક બંધ ઓરડીમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલો વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.

પોલીસ ટીમે સ્થળ પર પહોંચી બંધ ઓરડીનો દરવાજો ખોલી તપાસ હાથ ધરતાં અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો તેમજ બિયરના ટીન મળીને કુલ ૧,૫૮૫ નંગ મુદ્દામાલ મળી આવ્યો હતો, જેની બજાર કિંમત ₹૨,૮૮,૨૫૩/- આંકવામાં આવી છે.
દરોડા દરમિયાન સ્થળ પર હાજર મહિલાની પૂછપરછ કરતાં ઘટસ્ફોટ થયો હતો કે, આ ઓરડી તેમના પુત્રો રોહિત ઉર્ફે બલુ બાબુભાઈ અગેચાણીયા અને કિરીટ બાબુભાઈ અગેચાણીયાના કબ્જામાં છે. બંને ભાઈઓ ઓરડીમાં ભંગારનો સામાન રાખવાના બહાને દારૂનો મોટો જથ્થો છુપાવી રાખી તેનું વેચાણ કરતા હતા.
આ મામલે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે બંને આરોપી ભાઈઓ—રોહિત ઉર્ફે બલુ અગેચાણીયા અને કિરીટ અગેચાણીયા—સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દરોડા સમયે બંને આરોપીઓ સ્થળ પર હાજર ન મળતાં પોલીસે તેમને ઝડપી પાડવા માટે શોધખોળ તેજ કરી છે.













