વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
“બેટી બચાઓ, બેટી પઢાઓ” અભિયાન અંતર્ગત ૯૭ જેટલી વિદ્યાર્થિઓને શારીરિક સુરક્ષા બાબતે માહિતગાર કરાઈ
નખત્રાણા,તા-૨૦ ઓક્ટોબર : જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, કચ્છ દ્વારા રોજ નખત્રાણા તાલુકાના સાયરા ખાતે “બેટી બચાઓ, બેટી પઢાઓ” સેલ અંતર્ગત એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓને સેફ ટચ–અનસેફ ટચ (સુરક્ષિત અને અસુરક્ષિત સ્પર્શ), મેનસ્ટ્રુઅલ હાઈજીન (માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા) તથા કિશોરાવસ્થામાં આવતા બદલાવો અંગે માહિતગાર કરવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં શાળાના કુલ ૯૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય નવીનભાઈ ધોરીયા,DHEW ના જેન્ડર સ્પેશિયાલિસ્ટ દીપ્તીબેન ઠક્કર,SFL ક્રિષ્નાબેન ભુડિયા તથા સખી વન સ્ટોપ સેન્ટર (OSC)ના પેરા લીગલ અર્ચનાબેન ભગોરા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.કાર્યક્રમ દરમિયાન SFL ક્રિષ્નાબેન ભુડિયા દ્વારા વિદ્યાર્થિનીઓને ‘સેફ ટચ–અનસેફ ટચ’અંગે સચોટ સમજ આપવામાં આવી હતી. તેઓએ બાળકોને પોતાના શરીર પ્રત્યે જાગૃત રહી પોતાની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અંગે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી.
ત્યારબાદ,કિશોરીઓને મેનસ્ટ્રુઅલ હાઈજીન અંગે માર્ગદર્શન આપતાં જણાવાયું હતું કે,માસિક દરમિયાન શારીરિક સ્વચ્છતા જાળવવી અત્યંત આવશ્યક છે.માસિકને લઈને કોઈપણ પ્રકારનો સંકોચ રાખ્યા વગર સાચી માહિતી મેળવવા અને સ્વચ્છતાની પૂરતી કાળજી રાખવા કિશોરીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત, કિશોરાવસ્થા દરમિયાન શરીર અને મનમાં થતા કુદરતી ફેરફારો વિશે પણ વૈજ્ઞાનિક સમજ આપવામાં આવી હતી. કિશોર-કિશોરીઓમાં ઉદ્ભવતી મૂંઝવણ કે સંકોચને દૂર કરવા માટે યોગ્ય માહિતી,પોષણયુક્ત આહાર,વ્યક્તિગત સ્વચ્છતા,પૂરતી ઊંઘ અને પરિવારનો સહયોગ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે તે બાબતે ભાર મૂકવામાં આવ્યો હતો.કાર્યક્રમના અંતિમ ચરણમાં, સખી વન સ્ટોપ સેન્ટરના પેરા લીગલ અર્ચનાબેન ભગોરા દ્વારા મહિલાઓ અને બાળકોને મુશ્કેલીના સમયે કે જરૂરિયાત ઊભી થાય ત્યારે મળતી ‘સખી વન સ્ટોપ સેન્ટર’ની નિઃશુલ્ક સેવાઓ તથા કાનૂની અને અન્ય સહાય અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકો અને કિશોરીઓમાં વ્યક્તિગત સુરક્ષા, પોતાના શરીર અંગેની સાચી સમજ, માસિક સ્વચ્છતા તથા કિશોરાવસ્થાના શારીરિક અને માનસિક ફેરફારો અંગે વૈજ્ઞાનિક અને વ્યવહારુ જાગૃતિ કેળવવાનો હતો તેમ મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા જણાવાયું છે.











