વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના બીલીમોરા, ચીખલી, અમલસાડ અને ગણદેવી સહિતના વિસ્તારોમાં જાહેર રસ્તાઓ પર રઝળતા ઢોરના કારણે સર્જાતી સમસ્યાને લઈને હવે તંત્ર સમક્ષ ગંભીર રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા ઘણા સમયથી રસ્તાઓ પર ગાય-આખલાઓના અડિંગા અને અચાનક રસ્તા વચ્ચે આવી જતા પશુઓને કારણે રાહદારીઓ અને વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ સમગ્ર મામલે સમસ્ત આદિવાસી સમાજના આગેવાન ડો. નિરવ પટેલે નવસારી જિલ્લા કલેક્ટરને ઈમેલ મારફતે લેખિત રજૂઆત કરી તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ, મુખ્ય માર્ગો, બજારો, ચાર રસ્તાઓ અને હાઈવે પર રઝળતા ઢોરના ટોળાં અવારનવાર રસ્તા વચ્ચે બેસી રહેતા હોવાથી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ રહી છે અને નાના-મોટા અકસ્માતોનું જોખમ વધી રહ્યું છે. ખાસ કરીને રાત્રિના સમયે રસ્તા પર બેઠેલા પશુઓ વાહનચાલકોને સ્પષ્ટ દેખાતા ન હોવાથી ગંભીર અકસ્માતની શક્યતા ઊભી થતી હોય છે.રસ્તાઓ પર ઢોરના જમાવડાને કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ જેવા ઈમરજન્સી વાહનોને પણ માર્ગ મળવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે ગંભીર પરિસ્થિતિમાં કિંમતી સમય ગુમાવવાનો ભય રહે છે.
આખલાઓની લડાઈ અને અચાનક દોડધામના બનાવોથી બાળકો, મહિલાઓ અને વૃદ્ધોમાં પણ ભયનો માહોલ સર્જાય છે. સાથે જ રસ્તા પર પશુઓના મળમૂત્રના કારણે ગંદકી ફેલાતી હોવાથી વાહનો લપસી જવા તથા જાહેર આરોગ્યને લગતા પ્રશ્નો ઊભા થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.પશુમાલિકો સામે પણ જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠી છે.ડો. નિરવ પટેલે જણાવ્યું કે પશુઓને જાહેર રસ્તા પર રઝળતા મૂકવાની જવાબદારી માત્ર તંત્રની નથી, પરંતુ પશુમાલિકોની પણ છે. પશુપાલકોએ પોતાના પશુઓની યોગ્ય સંભાળ રાખી તેમને જાહેર માર્ગો પર બિનવારસી ન છોડવા જોઈએ. તેમણે આશા વ્યક્ત કરી કે, “છેલ્લા ઘણાસમયથી હેરાન થતા અનેક રાહદારીઓની રજૂઆતોને ધ્યાનમાં રાખીને આ બાબતે નવસારી કલેક્ટરને રજૂઆત કરી છે. આશા રાખું છુંકે પશુપાલકો પણ સામાન્ય રાહદારીઓની વેદનાઓ સમજશે.” રજૂઆતમાં સ્થાનિક નગરપાલિકા અને ગ્રામ પંચાયત સહિત સંબંધિત તંત્રને રઝળતા ઢોરને પકડવાની કામગીરી, પશુમાલિકોની જવાબદારી નક્કી કરવા, દંડાત્મક કાર્યવાહી તથા ટ્રાફિક અને જાહેર સુરક્ષા માટે કાયમી વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી છે.
હવે નવસારી જિલ્લા તંત્ર દ્વારા આ ગંભીર લોકહિતના પ્રશ્ને શું કાર્યવાહી કરવામાં આવે છે અને રસ્તા પર રઝળતા ઢોરની સમસ્યામાં ક્યારે કાયમી ઉકેલ આવે છે તેના પર લોકોની નજર છે.










