કાછબ ગામ ની નવી આંગણવાડીમાં મહિનાઓમાં જ બાંધકામની પોલ ખુલ્લી!

: સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કાછબ ગામમાં આવેલ નંદઘર આંગણવાડી કેન્દ્રને હજુ વર્ષો વીત્યા નથી અને બાંધકામને માત્ર થોડા જ મહિનાઓ થયા હોવાનું સ્થાનિક સ્તરે જાણવા મળે છે. તેમ છતાં સ્થળ પરથી સામે આવેલા ફોટોગ્રાફોમાં દીવાલના તળિયાના ભાગે કોંક્રિટ-પ્લાસ્ટર તૂટેલું, મટીરીયલ છૂટેલું, જગ્યાએ જગ્યાએ ખાડા તથા બાંધકામના ભાગોમાં ક્ષતિ જોવા મળતાં બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થાય

 

બહારથી રંગરોગાન કરીને આંગણવાડી સુંદર દેખાય છે, પરંતુ ફોટામાં ઇમારતના તળિયાના ભાગની સ્થિતિ કંઈક અલગ જ કહાની રજૂ કરે છે. કેટલાક સ્થળે દીવાલની નીચેનો ભાગ ધસી ગયેલો દેખાય છે અને બાંધકામમાંથી સિમેન્ટ-કોંક્રિટના ટુકડા છૂટેલા જોવા મળે છે. આટલા ઓછા સમયમાં આવી સ્થિતિ સર્જાઈ હોય તો બાંધકામ દરમિયાન ગુણવત્તાયુક્ત સામગ્રીનો ઉપયોગ થયો હતો કે નહીં અને કામની ટેકનિકલ દેખરેખ કેવી રીતે થઈ હતી તે તપાસનો વિષય બન્યો છે.

 

સવાલ એ પણ છે કે આંગણવાડી જેવી જગ્યાએ જ્યાં નાના બાળકો રોજ આવે છે, ત્યાં બાંધકામની ગુણવત્તા અંગે આટલી બેદરકારી કેમ? કામ પૂર્ણ થયા બાદ જવાબદાર અધિકારીઓએ સ્થળ તપાસ કરી હતી કે માત્ર કાગળ પર જ ગુણવત્તાની ચકાસણી પૂર્ણ કરી દેવામાં આવી હતી?

 

સ્થાનિકોમાં હવે માંગ ઉઠી રહી છે કે સમગ્ર બાંધકામની નિષ્પક્ષ ટેકનિકલ તપાસ કરવામાં આવે અને બાંધકામની ગુણવત્તા, વપરાયેલી સામગ્રી, ખર્ચ તથા કામ પૂર્ણ થયાની તારીખ સહિતના રેકોર્ડની ચકાસણી કરવામાં આવે.

 

જો તપાસમાં બાંધકામમાં ખરેખર ખામી બહાર આવે તો માત્ર દેખાવ પૂરતી મરામત નહીં પરંતુ જવાબદાર કોન્ટ્રાક્ટર અને સંબંધિત જવાબદાર તંત્ર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.

 

મહિનાઓ જૂની ઇમારતમાં જો તૂટફૂટ દેખાવા લાગે, તો સવાલ દીવાલનો નહીં પરંતુ બાંધકામની ગુણવત્તા અને તેની દેખરેખનો છે. કાછબની આંગણવાડીનું બાંધકામ ખરેખર ગુણવત્તાના ધોરણે થયું છે કે પછી ‘કામ પૂરું’ બતાવી જવાબદારી પૂર્ણ કરી દેવામાં આવી? તેનો જવાબ હવે સંબંધિત તંત્રએ આપવાનો છે.

 

રિપોટર કલ્પેશ ધામેલીયા સુરત

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો