માંગરોળના નગીચાણા સહિત ત્રણ ગામોમાં રૂ. ૧.૦૮ કરોડના ખર્ચે નવનિર્મિત ‘આયુષ્માન આરોગ્ય મંદિરો’નું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ભારત સરકારના શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ આજે જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના નગીચાણા ગામેથી અંદાજે કુલ રૂ. ૧.૦૮ કરોડના ખર્ચે નવનિર્મિત ત્રણ ‘આયુષ્માન આરોગ્ય મંદિર – પેટા આરોગ્ય કેન્દ્ર’નું લોકાર્પણ કર્યું હતું. જેમાં માંગરોળ તાલુકાના નગીચાણા અને આજક તથા કેશોદ તાલુકાના અજાબ ગામનો સમાવેશ થાય છે. આ પ્રત્યેક આરોગ્ય કેન્દ્ર રૂ. ૩૬.૨૪ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા નવનિર્મિત આ આયુષ્માન આરોગ્ય મંદિરોથી સ્થાનિક તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને ઘરઆંગણે સરળતાથી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ બનશે. આ કેન્દ્રો ખાતે સામાન્ય બીમારીઓની સારવાર ઉપરાંત સગર્ભાવસ્થા અને પ્રસૂતિ સંભાળ, નવજાત અને શિશુ સ્વાસ્થ્ય સેવાઓ, બિનચેપી રોગોનું સંચાલન, આંખ, કાન-નાક-ગળા તેમજ મોઢા અને દાંતની પ્રાથમિક સંભાળ સહિતની સર્વગ્રાહી સેવાઓ મળી રહેશે.
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયાએ નગીચાણા ખાતેથી તકતીઓનું અનાવરણ કરી ત્રણેય આરોગ્ય કેન્દ્રો જનતાને અર્પણ કર્યા હતા તેમજ નવનિર્મિત ભવનમાં ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આરોગ્ય સેવાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિમાં ‘દર્દી એ જ નારાયણ’ છે અને એ ભાવના સાથે હોસ્પિટલોને મંદિર સમાન ગણી સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, સરકાર સત્તાધીશ તરીકે નહીં પણ જનતા જનાર્દનના સેવક તરીકે કામ કરી રહી છે અને લોકોની સમસ્યાઓ સમજી તેનું નિવારણ લાવવું એ પ્રાથમિકતા રહી છે. આયુષ્માન ભારત યોજનાના કારણે આજે ગરીબ અને સામાન્ય પરિવારોને પણ મોટી બીમારીઓ સામે આર્થિક સુરક્ષા અને ઉત્તમ સારવાર મળી રહી છે.
ઘેડ પંથકના પ્રશ્નો અંગે વાત કરતા મંત્રીએ જણાવ્યું કે, ઘેડ વિસ્તારમાં ચોમાસા દરમિયાન સર્જાતી જળબંબાકાર અને જમીન ધોવાણની સમસ્યાના કાયમી ઉકેલ માટે રૂ. ૧૨૦૦ કરોડની મહત્ત્વાકાંક્ષી યોજના મંજૂર કરવામાં આવી છે. જે અંતર્ગત જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના છ તાલુકાના ૧૦૯ ગામોને આવરી લઈને નદીઓ ઊંડી ઉતારવા સહિતના કામો આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યા છે. આ ઉપરાંત ગામડાઓમાં ૨૪ કલાક વીજળી તેમજ પારદર્શક અને મેરિટ આધારિત સરકારી ભરતી પ્રક્રિયાથી યુવાનોને મળતી તકો અંગે પણ તેમણે વિગતો આપી હતી.
કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણાએ સંબોધન કરી આરોગ્ય સ્ટાફને નિષ્ઠાપૂર્વક સેવાઓ આપવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા નગીચાણા ગામની પ્રાથમિક શાળા પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે કાર્યક્રમ પૂર્વે ચર અને દરસાલી ગામ ખાતે સ્થાનિક ગ્રામજનો દ્વારા મંત્રીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ લોકાર્પણ સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી લીનાબેન કાવાણી, ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્ય દેવાભાઈ માલમ, ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, જિલ્લા વિકાસ અધિકારી જયંતસિંહ રાઠૌર, આરોગ્ય સમિતિના ચેરમેન ચિરાગભાઈ રાજાણી, માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ નારણભાઈ વાજા, જિલ્લા પંચાયત સદસ્ય જયેશભાઈ ચુડાસમા, અશ્વિનભાઈ ખટારીયા, અગ્રણી સોમાતભાઈ વાસણ સહિત સ્થાનિક પદાધિકારીઓ, આરોગ્ય વિભાગના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં ડૉ. હિમાંશુ લાખાણીએ શાબ્દિક સ્વાગત કર્યું હતું અને અંતમાં મેડિકલ ઓફિસર કિશોર માવદિયાએ આભારવિધિ કરી હતી.

56
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો