તારીખ ૧૨/૦૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા સહિત નગરમાં લાંબા સમયથી ખેંચાયેલા વરસાદ બાદ આખરે મેઘરાજાએ ફરી પધરામણી કરતા ખેડૂતો અને શહેરીજનોમાં રાહતની લાગણી પ્રસરી છે.
અંદાજિત 35 થી 40 દિવસના લાંબા વરસાદી વિરામ બાદ આજે સાંજે ચાર વાગ્યાની આસપાસ કાલોલ તાલુકા સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. ધીમીથી મધ્યમ ધારે વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી તથા બફારાનો સામનો કરી રહેલા લોકોને મોટી રાહત મળી હતી. જ્યાં લાંબા સમયથી વરસાદ ખેંચાતા કાલોલ તાલુકાના અનેક વિસ્તારોમાં ખેતીના પાકને પાણીની તાતી જરૂરિયાત ઊભી થઈ હતી. ખાસ કરીને વરસાદની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે. આ વરસાદના આગમનથી સુકાઈ રહેલા પાકને જીવતદાન મળવાની આશા જાગતા ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી હતી. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોવાથી ખેડૂતોમાં હજુ વધુ સારા વરસાદની આશા બંધાઈ છે.











