જામનગર તાલુકાના શેખપાટ સીમમાં ગેરકાયદે ખનન સામે ખાણખનિજ વિભાગનો સપાટો

જેસીબી અને ટ્રક સહિત રૂ.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત; પંચકોશી ‘એ’ પોલીસ મથકે વાહનો સોંપાયા
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર તા ૧૭, જામનગર-રાજકોટ હાઇવે પર આવેલા શેખપાટ ગામની સીમમાં ગેરકાયદે ખનન અને ખનિજ વહન સામે ભૂસ્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. ચોક્કસ ફરિયાદના આધારે ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી વિભાગની ટીમે સ્થળ પર આકસ્મિક તપાસ હાથ ધરતાં બિનઅધિકૃત રીતે મોરમ ખનિજનું ખનન કરી ટ્રક મારફતે તેનું વહન કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું.
તપાસ દરમિયાન સ્થળ પરથી એક જેસીબી મશીન અને એક ટ્રક મળી આવતાં બંને વાહનો સહિત આશરે રૂ.૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા વાહનોને ધુવાવ નજીક આવેલા પંચકોશી ‘એ’ ડિવિઝન પોલીસ મથકે સોંપી આગળની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ભૂસ્તર વિભાગની આ કામગીરીમાં નિખીલભાઈ, આનંદભાઈ, નૈતિકભાઈ અને રજનીકાંતભાઈ સહિતના અધિકારીઓ જોડાયા હતા. શેખપાટ સીમ વિસ્તારમાં ગેરકાયદે ખનન સામે થયેલી આ કાર્યવાહીને પગલે ખનન સાથે સંકળાયેલા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.











