અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
*મોડાસા : દશેરાએ સાકરિયા ગામે થશે ઉજવણી: ડુંગરપુરના કારીગરો બનાવશે 30 ફૂટ રાવણ:રાવણ દહન સાથે આતશબાજીનો ભવ્ય નજારો*
નવરાત્રિના નવ દિવસ મા જગદંબાની આરાધના અને ગરબાના રંગે રંગાયા બાદ હવે આવી રહ્યો છે અસત્ય પર સત્યના વિજયનો પર્વ… દશેરા..!

અને આ દશેરા પર્વે અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક આવેલા સાકરિયા ગામે યોજાશે ભવ્ય રાવણ દહનનો કાર્યક્રમ! 30 ફૂટ ઊંચા રાવણના દહન સાથે રંગબેરંગી આતશબાજી અને આકાશી ફટાકડાઓનો નજારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.દશેરા એટલે અધર્મ પર ધર્મનો વિજય… અસત્ય પર સત્યનો વિજય! અને આ વિજય પર્વને યાદગાર બનાવવા માટે મોડાસાના સાકરિયા ગામે યુવા ગ્રુપ અને સમસ્ત ગ્રામજનો દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ વર્ષે સાકરિયા ગામે દશેરાની ઉજવણી કંઈક ખાસ અંદાજમાં થવા જઈ રહી છે. રાજસ્થાનના ડુંગરપુરથી આવતા ખાસ કારીગરો દ્વારા 30 ફૂટ ઊંચા રાવણનું નિર્માણ કરવામાં આવશે. રાવણ દહન સાથે ભવ્ય આતશબાજી અને આકાશી આતશબાજીનો કાર્યક્રમ પણ યોજાશે, જે દશેરાની ઉજવણીમાં ચાર ચાંદ લગાવશે.મહત્વની વાત એ છે કે મોડાસા ખાતે આ વર્ષે રાવણ દહનનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. ત્યારે સાકરિયા ગામના યુવા ગ્રુપ દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં સાંજે 6-00 કલાકે યોજાનાર રાવણ દહનના ભવ્ય આયોજન માટે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.સાકરિયા ગામનો આ કાર્યક્રમ માત્ર એક ગામ પૂરતો સીમિત ન રહે, પરંતુ આસપાસના વિસ્તારના લોકો માટે પણ આકર્ષણનું કેન્દ્ર બને તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.મોડાસા સહિત માલપુર, મેઘરજ, ધનસુરા, બાયડ અને શામળાજી સહિતના વિસ્તારોના નાગરિકોને સાકરિયાના ગ્રામજનો દ્વારા આ ભવ્ય રાવણ દહન કાર્યક્રમ નિહાળવા અને આતશબાજીનો નજારો માણવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.આ દશેરાએ સાકરિયામાં જોવા મળશે 30 ફૂટ ઊંચા રાવણના દહન સાથે ભવ્ય આતશબાજીનો નજારો! પરિવાર અને મિત્રો સાથે પધારો, દશેરાના પર્વને બનાવો યાદગાર અને સાકરિયાની આ ભવ્ય ઉજવણીના સાક્ષી બનો!









