MORBI:દીકરીઓ બની દીકરો: મોરબી જિલ્લા પંચાયતના કર્મચારી પૂજાબેન પંડ્યા અને તેમની બહેનોએ પિતાની અંતિમવિધિ સંપન્ન કરી સમાજને પ્રેરણારૂપ સંદેશ આપ્યો

મોરબી:દીકરી અને દીકરા વચ્ચે કોઈ ભેદ નથી હોતો તે વાતને મોરબીની ત્રણ સુપુત્રીઓએ ચરિતાર્થ કરી બતાવી છે. મોરબી જિલ્લા પંચાયતમાં ફરજ બજાવતા પૂજાબેન પંડ્યાના પિતાશ્રી નવીનચંદ્ર લાભશંકર પંડ્યાનું દુઃખદ અવસાન થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પરિવારમાં કોઈ ભાઈ ન હોવા છતાં ત્રણેય દીકરીઓએ રૂઢિચુસ્ત પરંપરાઓથી ઉપર ઊઠીને પુત્ર સમાન બની પિતાની તમામ અંતિમવિધિ પૂર્ણ કરી હતી.

સ્વ. નવીનચંદ્ર પંડ્યાની સ્મશાનયાત્રાથી લઈને મુખાગ્નિ આપવા સુધીની તમામ ધાર્મિક વિધિઓ પૂજાબેન તેમજ તેમની બહેનો ધારાબેન અને નેહાબેને સાથે મળીને સંપન્ન કરી હતી. પિતા પ્રત્યેના અસીમ સ્નેહ અને કર્તવ્યભાવ સાથે ત્રણેય બહેનોએ અગ્નિદાહ આપીને પુત્ર ધર્મ નિભાવી એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે.
સમાજમાં આજે પણ જ્યાં દીકરાની અપેક્ષા રખાતી હોય છે, તેવા સમયે દીકરીઓએ પિતાને કાંધ આપી અને અગ્નિસંસ્કાર કરી દીકરી-દીકરાની સમાનતાનો સમાજને એક સચોટ સંદેશ આપ્યો છે. આ દુઃખદ ઘડીમાં જિલ્લા પંચાયતના સાથી કર્મચારીઓ અને સમાજના અગ્રણીઓએ શોક વ્યક્ત કરી દિવંગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.












