MORBI:મોરબી સૌરાષ્ટ્ર ભાજપના આગેવાનો સાથે બેઠકનો ધમધમાટ, આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓનું ફૂંકાયું રણશિંગું


મોરબી:ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે બપોરે મોરબીની મુલાકાતે આવી પહોંચ્યા છે. મોરબીમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના ભાગરૂપે તેમણે પોતાના પ્રવાસની શરૂઆત મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતેથી કરી હતી. કાર્યાલય પહોંચતા જ પક્ષના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીના આગમન સાથે જ ‘કમલમ’ ખાતે સૌરાષ્ટ્ર ઝોનના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, વિવિધ જિલ્લાઓના પ્રમુખો તેમજ પ્રભારીઓ સહિતના વરિષ્ઠ આગેવાનો સાથે એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક શરૂ થઈ છે.

આ મહત્વની બેઠકમાં મુખ્યમંત્રી સાથે સંગઠન મહામંત્રી રત્નાકરજી, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, રાજ્યકક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાનસેરીયા, પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય રીવાબા જાડેજા, કાન્તિલાલ અમૃતિયા, ત્રિકમભાઈ છાંગા સહિત સૌરાષ્ટ્ર વિસ્તારના સાંસદો, ધારાસભ્યો અને અગ્રણી પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે.
આ બેઠકમાં પક્ષના સંગઠનને પાયાના સ્તરે વધુ મજબૂત કરવા તેમજ સંગઠનાત્મક વિષયો પર વિસ્તૃત મંથન કરવામાં આવી રહ્યું છે. આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી અને સંગઠન નેતૃત્વ દ્વારા તમામ જનપ્રતિનિધિઓ અને સંગઠનના આગેવાનોને અત્યારથી જ ચૂંટણીલક્ષી તૈયારીઓમાં સક્રિય થઈ જવા અને સરકારી યોજનાઓ તેમજ પક્ષની નીતિઓને જન-જન સુધી પહોંચાડવા માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે.














