MORBI:વડતાલ ખાતે યોજાયેલી રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના પડતર પ્રશ્નો અંગે ધારદાર રજૂઆત

મોરબી/વડતાલ:‘રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા, શિક્ષા કે હિત મેં શિક્ષક, શિક્ષક કે હિત મેં સમાજ’ના સૂત્રને વરેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ત્રિમાસિક રાજ્ય કારોબારી બેઠક તાજેતરમાં યાત્રાધામ વડતાલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા પ્રાથમિક શાળાઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સ્પર્શતા વિવિધ પડતર પ્રશ્નો અંગે વિસ્તૃત અને સચોટ રજૂઆત કરવામાં આવી હતી.

શૈક્ષિક મહાસંઘ દ્વારા રજૂ કરાયેલી મુખ્ય માંગણીઓમાં વર્ષ ૨૦૦૫ પછી સેવામાં જોડાયેલા શિક્ષકો માટે જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરવી, HTAT મુખ્ય શિક્ષક તરીકે સિનિયર શિક્ષકોની સ્વૈચ્છિક બઢતીથી નિમણૂક કરવી, ધોરણ ૬ થી ૮ માં ફરજ બજાવતા શિક્ષકોને નિમ્ન પ્રાથમિક વિભાગમાં પરત જવાની તક આપવી તેમજ ઉચ્ચતર પ્રાથમિક શાળાના શિક્ષકોને અલગથી ૪૨૦૦ ગ્રેડ પે આપવાની બાબતો મોખરે રહી હતી. આ ઉપરાંત નવી વિદ્યાસહાયક ભરતી પૂર્વે જિલ્લાફેર બદલી કેમ્પ યોજવા અને પ્રાથમિક શાળાઓમાં વર્ષોથી સેવા આપતા શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવા માંગ કરવામાં આવી હતી.
કારોબારીમાં SMC ગ્રાન્ટના ખર્ચ માટેની ‘SNA સ્પર્શ’ પ્રક્રિયાની જટિલતા અંગે ખાસ ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી હતી. પોર્ટલ પર સર્વરની ધીમી ગતિ, મેકર-ચેકર આઇડીની લાંબી પ્રક્રિયા, કાગળોની અસંખ્ય ઝેરોક્ષ નકલો અને માત્ર ૫૦૦ રૂપિયાના બિલ પાસ કરાવવા માટે પણ ૨૦૦ કિલોમીટર દૂર જિલ્લા કચેરી સુધીના ધક્કા ખાવા પડે છે. લાંબા સમય સુધી નાણાં ચૂકવાતા ન હોવાથી ઘણીવાર આચાર્યોએ પોતાના ખિસ્સામાંથી રકમ ચૂકવવી પડે છે. આ સમગ્ર વ્યવસ્થા શિક્ષકોના શિક્ષણ કાર્યને બાધક બનતી હોવાથી તમામ બિલો ઓનલાઇન જ મંજૂર કરવાની માંગણી કરાઈ હતી.
તેમજ શિષ્યવૃત્તિ પોર્ટલ પર ઓળખ અને KYC ની જટિલ પ્રક્રિયાના કારણે વંચિત રહેતા બાળકોનો મુદ્દો ઉઠાવી પ્રક્રિયા સરળ બનાવવા રજૂઆત કરાઈ હતી. શાળાઓમાં વહીવટી સરળતા માટે શાળા સહાયક અને એકાઉન્ટ એજન્સીની નિમણૂક કરવી, વેકેશન અને રજાના દિવસોમાં થયેલી વસ્તી ગણતરીની વળતર/પ્રાપ્ત રજાઓ તથા મહેનતાણું સત્વરે ચૂકવવું, CRC/BRC કો-ઓર્ડિનેટરના CR ભરવા પોર્ટલ સુવિધા આપવી તેમજ HTAT સિવાયની શાળામાં આચાર્ય પદે રહેલા સિનિયર શિક્ષકોને મહેકમમાં ન ગણવા જેવી માંગણીઓ પણ મૂકવામાં આવી હતી.
આ ઉપરાંત કેટલાક તત્વો દ્વારા SMC ગ્રાન્ટ અંગે દસ-દસ વર્ષ જૂની વિગતો માંગી RTI એક્ટનો થતો દુરુપયોગ રોકવા અને તાલુકા-જિલ્લા કક્ષાએ પાયાવિહોણી તથા બેનામી અરજીઓ પર થતી તપાસ બંધ કરવા ભારપૂર્વક અપીલ કરવામાં આવી હતી. મોરબી જિલ્લાના પ્રતિનિધિઓએ આ તમામ પ્રશ્નોનું સરકાર સ્તરેથી સત્વરે સુખદ નિરાકરણ આવે તેવી પ્રબળ માંગણી દોહરાવી હતી.











