વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

દૂધના ભાવ સામે પશુઆહાર મોંઘો બનતા નાના અને આદિવાસી પશુપાલકોની આર્થિક સ્થિતિ કથળતી હોવાનો આક્ષેપ
નવસારી: દક્ષિણ ગુજરાતના હજારો નાના, સીમાંત અને ખાસ કરીને આદિવાસી પશુપાલકોના આર્થિક હિતોના રક્ષણ માટે સુમુલ ડેરીની દૂધ ખરીદી અને સમગ્ર વ્યવસ્થાની મુખ્યમંત્રી કક્ષાએથી સ્વતંત્ર તથા ઉચ્ચસ્તરીય તપાસ કરાવવાની માંગ ઉઠી છે. સમસ્ત આદિવાસી સમાજના યુથ લીડર ડો. નિરવ ભાઈ પટેલે મુખ્યમંત્રીનેપત્ર પાઠવી આ અંગે તાત્કાલિક તપાસની માગ કરી છે.
પત્રમાં સત્તાવાર આંકડાઓને ટાંકીને જણાવાયું છે કે, સુમુલ ડેરીની દૂધ ખરીદી વર્ષ ૨૦૨૩-૨૪માં ૮૮.૪૬ કરોડ કિલોગ્રામ હતી, જે વર્ષ ૨૦૨૪-૨૫માં ઘટીને ૮૦.૨૬ કરોડ કિલોગ્રામ થઈ છે. એટલે કે બે વર્ષના સમયગાળામાં દૂધ ખરીદીમાં ૮.૨૦ કરોડ કિલોગ્રામનો ઘટાડો નોંધાયો છે. આટલો મોટો ઘટાડો કેમ થયો તે જાણવા તાલુકા અને જિલ્લાવાર ‘મિલ્ક પ્રોક્યોરમેન્ટ ઓડિટ’કરાવવાની માંગ કરવામાં આવી છે.
દૂધના ભાવ સામે પશુઆહાર મોંઘો : પશુપાલકો મુશ્કેલીમાં
ડો. નિરવ પટેલના જણાવ્યા મુજબ, પશુઓ માટેનો દાણ, ખોળ અને ચારો સતત મોંઘો બની રહ્યો છે, જ્યારે તેની સામે પશુપાલકોને મળતો દૂધનો ખરીદ ભાવ પૂરતો ન હોવાની ફરિયાદો છે. પશુઆહારના વધતા ખર્ચ અને દૂધના ભાવ વચ્ચે યોગ્ય સંતુલન ન રહેતા નાના પશુપાલકો માટે પશુપાલનનો વ્યવસાય આર્થિક રીતે મુશ્કેલ બની રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
મિલ્ક એનાલાઈઝર અને ફેટ માપણીનું ટેકનિકલ ઓડિટ કરવા માંગ
ગ્રામ્ય દૂધ મંડળીઓમાં દૂધના Fat અને SNF માપતા Milk Analyzer અંગે પશુપાલકો દ્વારા શંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી હોવાનો પત્રમાં ઉલ્લેખ છે. આથી દરેક દૂધ મંડળીના મશીનોનું Calibration Audit કરાવવા, પશુપાલકોને દૂધની ક્વોન્ટિટી, ફેટ અને SNFની વિગતો સાથે બિલ અથવા SMS આપવાની તથા શંકાસ્પદ કિસ્સાઓમાં ફોરેન્સિક અને ટેકનિકલ તપાસ કરાવવાની માંગ કરાઈ છે.
આ ઉપરાંત ફરિયાદવાળી દૂધ મંડળીઓના છેલ્લા પાંચ વર્ષના રેકોર્ડનું Special Co-operative Audit કરાવવા પણ રજૂઆત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત માટે ‘આદિવાસી પશુપાલક આવક વૃદ્ધિ પેકેજ’ની માંગ
ડો. નિરવ પટેલે ડાંગ, વલસાડ, નવસારી અને તાપી સહિતના દક્ષિણ ગુજરાતના પશુપાલકો માટે વિશેષ ‘આદિવાસી પશુપાલક આવક વૃદ્ધિ પેકેજ’ જાહેર કરવાની પણ માંગ કરી છે. જેમાં પશુ ખરીદી, ચારો, રસીકરણ તથા મિલ્ક ચિલિંગ સુવિધા માટે વિશેષ સહાયનો સમાવેશ કરવાની રજૂઆત કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું કે, “પશુપાલક ખેડૂતના પૈસાનો એક-એક રૂપિયો પારદર્શક રીતે ગણાય, દૂધનું માપ સાચું થાય અને યોગ્ય ભાવ મળે—અમારી માંગ એટલી જ છે. આદિવાસી ખેડૂત આર્થિક રીતે મજબૂત બનશે તો ગામડાની અર્થવ્યવસ્થા પણ મજબૂત બનશે.”
આ રજૂઆત બાદ સુમુલની દૂધ ખરીદીમાં થયેલા ઘટાડા, ખરીદ ભાવ અને પશુઆહારના વધતા ખર્ચ વચ્ચેના તફાવત તેમજ દૂધ મંડળીઓની કામગીરી અંગે સરકાર દ્વારા શું પગલાં લેવાય છે તેના પર હવે પશુપાલકોની નજર રહેશે.










