MORBI:મોરબીના ઘુંટુ રોડ પર શેરીમાં ફટાકડા ફોડવા મામલે પાડોશીઓ વચ્ચે ધીંગાણું: લાકડાના ધોકા ઉછળ્યા, બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ

મોરબીના ઘુંટુ રોડ પર આવેલી રામકો વિલેજ સોસાયટીમાં શેરીમાં ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે પાડોશીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો બિચક્યો હતો. સામાન્ય બાબતનું મનદુઃખ રાખી બંને પક્ષો સામસામે આવી જતાં જૂથ અથડામણ સર્જાઈ હતી, જેમાં ધોકા વડે હુમલો અને ધમકીઓ આપવાના આક્ષેપો સાથે મોરબી તાલુકા પોલીસ મથકે બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઈ છે.

રામકો વિલેજ સોસાયટીમાં રહેતા લક્ષ્મીબેન આશિષભાઈ શ્રીવાસ્તવ (ઉં.વ. ૩૪) એ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ઘર પાસે પાડોશમાં રહેતા ભક્તિબેનનો દીકરો ફટાકડા ફોડતો હોવાથી તેમણે ભક્તિબેનને ફટાકડા ફોડવાની ના પાડી હતી. આ વાતની અદાવત રાખી આરોપી ગીતાબેન તથા હઠીસિંહ હાથમાં લાકડાના ધોકા લઈને ફરિયાદીના ઘરે ધસી આવ્યા હતા અને દરવાજા પર ધોકાના ઘા મારી ગાળો ભાંડી હતી. આ દરમિયાન હઠીસિંહ, શિવરાજ ભાટી અને દિલુભાએ ભક્તિબેન તેમજ ગીતાબેનને માર મારવા ઉશ્કેર્યા હતા, જ્યારે શિવરાજે ફરિયાદી લક્ષ્મીબેનને હાથ-પગ ભાંગી નાખવાની ધમકી આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
સામાપક્ષની ફરિયાદ:
જ્યારે સામાપક્ષે તે જ સોસાયટીમાં રહેતા ભક્તિબા હઠીસિંહ પઢીયારે લક્ષ્મીબેન આશિષભાઈ શ્રીવાસ્તવ વિરુદ્ધ વળતી ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ અનુસાર, શેરીમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી બોલાચાલીનું સમાધાન કરવા માટે તેઓ તથા ગીતાબેન લક્ષ્મીબેનના ઘરે ગયા હતા. તે વખતે લક્ષ્મીબેને ઉશ્કેરાઈને બોલાચાલી કરી હાથમાં રહેલી લાકડીનો ઘા ભક્તિબાના માથાના ભાગે તથા ગીતાબેનને ડાબા હાથ પર મારી મુંઢ ઈજાઓ પહોંચાડી હતી.
આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે બંને પક્ષોની સામસામી ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે.













