જામનગરમાં દબાણ હટાવવા ગયેલી મનપાની ટીમ પર હુમલો આઉટસોર્સિંગ કર્મચારીને જાહેરમાં ઢોર માર માર્યો

સુભાષ માર્કેટ નજીક બર્ધન ચોક વિસ્તારમાં દાદાગીરીની પરાકાષ્ઠા : રસ્તા પર પાડી બેફામ માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
ભોગ બનનાર કર્મચારી સાથે એસ્ટેટ શાખા નો કાફલો પોલીસ ફરિયાદ નોંધાવવા પહોંચ્યો: હુમલાખોર ની શોધખોળ
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર તા. ૩, જામનગર શહેરમાં દિવાળીના તહેવારો દરમિયાન બજારોમાં ખરીદી માટે આવતા લોકોને ટ્રાફિકની સમસ્યા ન નડે અને રસ્તાઓ પર ભીડભાડ ન થાય તે હેતુથી મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે સુભાષ માર્કેટ નજીક બર્ધન ચોક વિસ્તારમાં દબાણ દૂર કરવા ગયેલી મહાનગરપાલિકાની ટીમ સાથે કેટલાક શખ્સોએ ઝઘડો કરી દાદાગીરીની પરાકાષ્ઠા સર્જી હતી. આ દરમિયાન એસ્ટેટ શાખાના આઉટસોર્સિંગ કર્મચારી કિશન ગોહેલને જાહેર રસ્તા પર પાડી દઈ બેફામ માર મારવામાં આવતાં ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો મુજબ, દિવાળીના તહેવારોને અનુલક્ષીને બર્ધન ચોક સહિતના બજાર વિસ્તારોમાં દબાણો દૂર કરવા માટે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. આજે સવારે એસ્ટેટ અધિકારી કમલેશ ગઢવીની રાહબરી હેઠળ કર્મચારીઓની ટીમ બર્ધન ચોક વિસ્તારમાં દબાણ હટાવવા પહોંચી હતી. આ દરમિયાન કેટલાક શખ્સોએ ટીમના કર્મચારીઓ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી ઝઘડો શરૂ કર્યો હતો. વાત ઉગ્ર બનતાં ઝપાઝપી અને મારામારીની ઘટના બની હતી.
આ દરમિયાન આઉટસોર્સિંગ કર્મચારી કિશન ગોહેલને રસ્તા પર પાડી દઈ બેફામ માર મારવામાં આવ્યો હતો. જાહેરમાં કર્મચારી પર થયેલા આ હુમલાના પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં શહેરમાં ભારે ચર્ચા જાગી છે. મનપાના ફરજ પરના કર્મચારીને જાહેરમાં માર મારવાની ઘટનાને પગલે સ્થાનિક લોકો તેમજ મહાનગરપાલિકાના કર્મચારીઓમાં રોષ ફેલાયો છે.
ઘટનાને પગલે ભોગ બનનાર કિશન ગોહેલને સાથે રાખીને એસ્ટેટ અધિકારી કમલેશ ગઢવી સહિતના કર્મચારીઓ સીટી ‘એ’ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યા હતા અને હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરી હતી. બીજી તરફ, પોલીસ દ્વારા વાઇરલ થયેલા વીડિયો સહિતની વિગતોના આધારે ઘટનામાં સંડોવાયેલા શખ્સોની ઓળખ કરી આગળની તપાસ હાથ ધરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મનપાની જાહેર રસ્તા પરથી દબાણો દૂર કરવાની કામગીરી દરમિયાન ફરજ બજાવતા કર્મચારી પર થયેલા આ હુમલાને ગંભીરતાથી લઈ દાદાગીરી કરનાર તત્ત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ ઊઠી છે.










