તા.૩૦/૯/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: “સેવા સંકલ્પ અભિયાન”ની ઉજવણી અન્વયે પાળ-૨ ગામના આંગણવાડી કેન્દ્ર ખાતે ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં “આંગણ મિલન ઉત્સવ” અને મિશન LiFE અંતર્ગત મિલેટ વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ભાનુબેન બાબરિયાએ પોતાના વક્તવ્યમાં આંગણવાડી કેન્દ્રો દ્વારા આપવામાં આવતી વિવિધ પાયાની અને કલ્યાણકારી સેવાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આંગણવાડી કેન્દ્રો બાળકોના સંભાળના કેન્દ્રની સાથે મહિલાઓ, બાળકો અને કિશોરીઓના સાર્વત્રિક વિકાસનું મુખ્ય માધ્યમ છે. કેન્દ્રો દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને પૌષ્ટિક ટેક હોમ રાશન, આયર્ન-ફોલિક એસિડની ગોળીઓ અને આરોગ્ય તપાસની સુવિધા પૂરી પાડવામાં આવે છે. ઉપરાંત, ૬ માસથી ૩ વર્ષના બાળકોને પોષણયુક્ત આહાર અને ૩ થી ૬ વર્ષના બાળકો માટે આંગણવાડી ખાતે તાજો, પૌષ્ટિક નાસ્તો તથા રમતો અને વાર્તાઓ દ્વારા પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે.


કાર્યક્રમ દરમિયાન પોષણ ચેમ્પિયન એવોર્ડ, આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનું સન્માન, સુખડી તથા ફળ વિતરણ, અને દીકરી વધામણાં કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મિલેટ વાનગી સ્પર્ધામાં મોરૈયા ઈડલી ચાટ પ્રથમ, બટરફ્લાય ટી તથા રાગીના લાડુ દ્વિતીય અને રાગી કેક તૃતીય ક્રમે વિજેતા જાહેર થતાં તેમને ઇનામ આપવામાં આવ્યા હતા.


આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય શ્રી અલ્પાબેન તોગડિયા, તાલુકા પંચાયત સભ્ય શ્રી નિશાબેન ઘરડુસિયા, અગ્રણી શ્રી શોભનાબેન કાછડીયા, પ્રોગ્રામ ઓફિસર શ્રી જનકસિંહ ગોહિલ તેમજ લોધિકા બાળ વિકાસ યોજના અધિકારીશ્રી ,ICDS સ્ટાફ, લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.











