Rajkot: કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણ અને આટકોટ ખાતે ૪ ‘ગ્રામ હાટ’નું લોકાર્પણ કરાયું

તા.૧૬/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

સખી મંડળની બહેનોનાં કૌશલ્યને બજાર મળતાં મહિલા સ્વાવલંબનને નવું બળ મળશે

નારીશક્તિના આર્થિક ઉત્થાન થકી ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’નો સંકલ્પ સાકાર થશે

:- કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા

જસદણ બસ સ્ટેન્ડ ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં મંત્રીશ્રીની વિશેષ ઉપસ્થિતિ : રક્તદાતાઓને બિરદાવ્યા

Rajkot: રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ ક્ષેત્રની નારીશક્તિના સર્વાંગી વિકાસ, આર્થિક સશક્તિકરણ અને સ્વાવલંબન માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિ. (ગ્રામ વિકાસ વિભાગ) અંતર્ગત જસદણ તાલુકામાં અત્યાધુનિક ૪ ‘ગ્રામ હાટ’નું વિધિવત લોકાર્પણ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગનાં કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.

કેબિનેટ મંત્રીશ્રીએ જસદણ ખાતે ૨ અને આટકોટ ખાતે ૨ મળી કુલ ૪ ગ્રામ હાટનું ઉદ્ઘાટન કરી સખી મંડળની બહેનોને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ ‘વિકસિત ભારત @૨૦૪૭’ના નિર્માણ તરફ આગળ વધી રહ્યો છે, જેમાં મહિલા નેતૃત્વ આધારિત વિકાસ મુખ્ય આધારસ્તંભ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ‘વિકસિત ગુજરાત’ના નિર્માણમાં ગ્રામીણ મહિલાઓનું યોગદાન મહત્વપૂર્ણ બની રહ્યું છે. રાજ્યમાં કાર્યરત મહિલા કલ્યાણકારી યોજનાઓ થકી આજે ગામડાંની દીકરીઓ અને બહેનો આર્થિક રીતે આત્મનિર્ભર બની રહી છે. 

 

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગ્રામીણ વિસ્તારની બહેનો પોતાના પરિશ્રમ, પરંપરાગત કળા અને વિશિષ્ટ કૌશલ્યથી ઉત્કૃષ્ટ ઉત્પાદનો તૈયાર કરે છે. આ ઉત્પાદનોને સીધું બજાર પૂરું પાડવા માટે રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે. આ ‘ગ્રામ હાટ’ ગામડાંની બહેનોની કલા અને સર્જનને યોગ્ય સ્થાન આપીને સાચા અર્થમાં નારીશક્તિને આત્મનિર્ભર બનાવશે.  

જસદણ અને આટકોટ બસસ્ટેન્ડ ખાતે લોકાર્પિત થયેલા આ ગ્રામ હાટ કેન્દ્રો પરથી સ્થાનિક સ્વસહાય જૂથો દ્વારા નિર્મિત કલાત્મક બાજોઠ, ગૃહ સુશોભન આઈટમ્સ, પૂજા સામગ્રી, ઈમિટેશન જ્વેલરી, ઘરગથ્થુ સફાઈ ઉત્પાદનો, પરંપરાગત અથાણાં-મસાલા તેમજ તૈયાર વસ્ત્રો ગ્રાહકોને વ્યાજબી ભાવે ઉપલબ્ધ બનશે. આ કેન્દ્રો કાર્યરત થવાથી ચીજવસ્તુઓના સીધા વેચાણ થકી સખી મંડળની બહેનો દૈનિક સરેરાશ રૂ. ૫૦૦/- થી રૂ. ૭૦૦/- સુધીનો નફો મેળવી શકશે, જેનાથી પરિવારોને મજબૂત આર્થિક ટેકો મળશે અને ગ્રામીણ અર્થતંત્ર ગતિશીલ બનશે.  આ તકે મંત્રીશ્રીએ આટકોટ તેમજ જસદણ બસ સ્ટેન્ડ પરિસરની પ્રત્યક્ષ મુલાકાત લઈ મુસાફરો માટે પીવાનું પાણી, બેઠક વ્યવસ્થા, સ્વચ્છતા સહિતની ઉપલબ્ધ નાગરિક સુવિધાઓનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત, જસદણ બસ સ્ટેન્ડ ખાતે આયોજિત રક્તદાન કેમ્પમાં ખાસ ઉપસ્થિત રહી મંત્રીશ્રીએ રક્તદાતાઓને બિરદાવી, માનવતાના આ સેવાયજ્ઞમાં ઉત્સાહપૂર્વક જોડાયેલા સૌને અભિનંદન પાઠવ્યા હતા.

આ લોકાર્પણ કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ સખી મંડળની બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

53
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો