વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકા દ્વારા ફ્લાવર શો-2025ના આયોજનના ખર્ચ અંગે પ્રસિદ્ધ થયેલા અહેવાલોના પગલે મનપાના ગાર્ડન વિભાગે રદિયો આપી ખર્ચની વિગતો સ્પષ્ટ કરી છે. મનપાના જણાવ્યા મુજબ, ફ્લાવર શોના ખર્ચમાં થયેલા વધારા અંગેના અહેવાલોમાં દર્શાવાયેલી વિગતો સંપૂર્ણ હકીકત રજૂ કરતી નથી. આયોજન ટેન્ડર પ્રક્રિયા, મંજૂર શરતો અને સક્ષમ સત્તાધિકારીની મંજૂરી મુજબ કરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે.
મનપાના ખુલાસા મુજબ, ફ્લાવર શોના કામ માટે અંદાજિત રૂ. 2.56 કરોડના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ ઈ-ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ગાંધીનગરની L-1 એજન્સી આનંદ ગાર્ડન એન્ડ નર્સરીના ભાવ અંદાજિત ખર્ચ કરતાં 18.08 ટકા ઓછા હોવાનું રદિયામાં જણાવાયું છે. ટેન્ડર, એજન્સીના ભાવ અને કામની શરતોને અનુસરીને કામગીરી મંજૂર કરવામાં આવી હોવાનું મનપાએ સ્પષ્ટ કર્યું છે.
પ્રેસનોટમાં વધુમાં જણાવાયું છે કે, ફ્લાવર શો માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડને ધ્યાનમાં રાખીને 40 મીટર બાય 8 મીટરનું માળખું તૈયાર કરવાની યોજના હતી. જોકે, ડિઝાઇન અને સ્થળની તપાસ બાદ મેટલ ફ્રેમ સ્ટ્રક્ચરનું ક્ષેત્રફળ વધારવામાં આવ્યું હતું. અગાઉ 5,000 ચોરસ ફૂટનું આયોજન હતું, જે વધારીને 10,000 ચોરસ ફૂટ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ફ્લાવર શોમાં સીઝનલ ફૂલોની સંખ્યા પણ અગાઉના આયોજન કરતાં વધારવામાં આવી હતી.
મનપાના જણાવ્યા અનુસાર, આ ફેરફારોને કારણે કામના ખર્ચમાં વધારો થયો હતો. વધારાના ખર્ચને સક્ષમ સત્તાધિકારીની મંજૂરી બાદ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરીને મંજૂર કરવામાં આવ્યો હોવાનું રદિયામાં જણાવાયું છે.
નોંધનીય છે કે, નવસારી મહાનગરપાલિકાની સ્થાપના બાદ શહેરમાં ફ્લાવર શોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનને નાગરિકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. ફ્લાવર શોના ખર્ચ અંગે પ્રસિદ્ધ થયેલા અહેવાલોને પગલે મનપાએ હકીકત આધારિત વિગતોને ધ્યાનમાં લેવા અને અહેવાલોમાં રજૂ થયેલી બાબતો અંગે સ્પષ્ટતા કરવા આ રદિયો પ્રસિદ્ધ કર્યો છે.
ગાર્ડન વિભાગ, નવસારી મહાનગરપાલિકા, નવસારી










