ઝઘડિયા તાલુકાના રાજપારડીની નીલકંઠ સોસાયટીના માર્ગ પર ગેરકાયદે કેબિન મૂકવા બાબતે તકરાર 

યુવક પર લાકડાના સપાટા અને ઢીકાપાટુ વડે હુમલો, જાનથી મારી નાખવાની ધમકી આપી
ઝઘડિયા તાલુકાના રાજપારડી સ્થિત નીલકંઠ સોસાયટીના મુખ્ય માર્ગ પર ગેરકાયદે દબાણ કરી કેબિન મૂકવા બાબતની અદાવતમાં એક યુવક પર લાકડાના સપાટા તથા ઢીકાપાટુ વડે જીવલેણ હુમલો કરી ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ રાજપારડી પોલીસ મથકે નોંધાઈ છે. વચ્ચે બચાવવા પડેલી ઈજાગ્રસ્તની પત્ની સાથે પણ ઝપાઝપી કરી જમીન પર પાડી દેવામાં આવી હોવાની વિગતો સામે આવી છે.
પ્રાપ્ત વિગત અનુસાર ઝઘડિયા તાલુકાના રાજપારડીની નીલકંઠ સોસાયટીમાં રહેતા ૪૧ વર્ષીય ખેડૂત હિરલભાઈ જયવદનભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાની કાર લઈને સોસાયટીના નવરાત્રી ચોક પાસે ઊભા રહી મોબાઈલ પર વાત કરી રહ્યા હતા. તે દરમિયાન માધવપુરા (રાજપારડી) ખાતે રહેતા અજયસિંહ કેસરોલા તથા તેમના ભાઈ ઇન્દ્રજીતસિંહ કેસરોલા અને કિરણસિંહ કેસરોલાએ અચાનક આવી ઝપાઝપી શરૂ કરી દીધી હતી.
આ હુમલા દરમિયાન અજયસિંહ કેસરોલાએ પોતાની કેબિનમાંથી લાકડાનો સપાટો કાઢી હિરલભાઈના માથાના ભાગે માર્યો હતો, જ્યારે ઇન્દ્રજીતસિંહ કેસરોલાએ બરડાના ભાગે સપાટો ફટકાર્યો હતો. ઝઘડો જોઈ તેઓના પક્ષે પ્રવિણસિંહ કેસરોલા, લાલો તથા અન્ય આશરે પાંચેક જેટલા અજાણ્યા શખ્સો દોડી આવ્યા હતા અને હિરલભાઈને પકડી ગડદાપાટુનો માર મારી બિભત્સ ગાળો આપવા લાગ્યા હતા.
પતિને માર પડતો જોઈ બચાવવા વચ્ચે પડેલા તેમના પત્ની આરતીબેનને પણ પ્રવિણસિંહ અને અજયસિંહે ધક્કો મારી જમીન પર પાડી દીધા હતા. બૂમાબૂમ થતાં સોસાયટીના રહીશો ચંદ્રકાંત સોલંકી, ભાવેશભાઈ પાદરીયા તથા હરેશભાઈ પંચાલ સહિતના લોકો દોડી આવતા હિરણભાઈને વધુ મારથી છોડાવ્યા હતા. હુમલાખોરો જતાં જતાં એવી ધમકી આપી ગયા હતા કે “અમારી કેબિન હટાવવાની કોશિશ કરશો તો જાનથી મારી નાખીશું”.
નીલકંઠ સોસાયટીના અવરજવરના મુખ્ય માર્ગ પર અજયસિંહ કેસરોલાએ ગેરકાયદે રીતે કેબિન મૂકી દબાણ કરેલું હોય, સોસાયટીના રહીશોએ આ કેબિન હટાવવા બાબતે અગાઉ રજૂઆત કરી હતી. જેની દાઝ રાખી આ પૂર્વયોજિત હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. બનાવ અંગે ૧૧૨ પર જાણ કરાયા બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી અને ઈજાગ્રસ્ત હિરલભાઈ જયવદનભાઈ પટેલ દ્વારા રાજપારડી પોલીસ મથકમાં (૧) અજય સિંહ કેસરોલા (૨) ઇન્દ્રજીતસિંહ કેસરોલા (૩) કિરણસિંહ કેસરોલા (૪) પ્રવીણ સી કેસરોલા (૫) લાલો તમામ રહે. રાજપારડી તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ, તથા અન્ય પાંચ થી છ ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, ફરિયાદના આધારે આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.










