Rajkot: સેવા સંકલ્પ અભિયાન વિંછીયા તાલુકાના મોઢુકા ખાતે ‘સેવાસેતુ’ કાર્યક્રમનો શુભારંભ કરાવતા કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

તા.૧/૧૦/૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવા સતત કાર્યરત – કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા

મોઢુકાના આસપાસના ૧૦ ગામોના આશરે ૧૫ હજારથી વધુ નાગરિકોને સેવાસેતુ થકી વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળશે

Rajkot: સંકલ્પ અભિયાન અંતર્ગત છેવાડાના નાગરિકો સુધી સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓના લાભો સરળતાથી પહોંચાડવાના હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા ‘સેવા સેતુ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે વિંછીયા તાલુકાના મોઢુકા ખાતે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને ‘સેવા સેતુ’ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના મંત્રને સાકાર કરવાની દિશામાં તથા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભો પહોંચાડવા સતત કાર્યરત છે. નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ મેળવવામાં પડતી મુશ્કેલીઓ, વ્યક્તિગત અરજીઓ તથા વિવિધ પ્રશ્નોનું સ્થળ પર જ ત્વરિત નિરાકરણ આવે તેવા ઉદ્દેશથી ગામેગામ ‘સેવાસેતુ’ કાર્યક્રમ યોજવામાં આવે છે. ‘એકપણ સાચો લાભાર્થી સરકારની જનકલ્યાણકારી યોજનાના લાભથી બાકાત ન રહે’ તેવા સંકલ્પ સાથે તમામ નાગરિકોને સરકારી સેવાઓ સરળતાથી, પારદર્શક રીતે અને સમયસર મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

મોઢુકા ખાતે યોજાયેલા ‘સેવાસેતુ’ કાર્યક્રમમાં મોઢુકા, ભડલી, સોમપિપળીયા, હાથસણી, સોમલપર, ફુલજર, બંધાળી, જનડા, કંધેવાળિયા અને પાટીયાળી સહિત કુલ ૧૦ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ગામોના અંદાજિત ૧૫ હજારથી વધુ નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓનો લાભ મળવાનો છે. કાર્યક્રમ દરમિયાન વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંત્રીશ્રી તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો અને મંજૂરી હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

મોઢુકા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિવિધ વિભાગો દ્વારા નાગરિકોને અનેકવિધ યોજનાઓ અને સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો. જેમાં રાશનકાર્ડ સંબંધિત અરજીઓ, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય પેન્શન યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, સ્માર્ટ મીટર તથા પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના સહિતની સેવાઓનો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત કુલ ૨૦ લાભાર્થીઓને રૂ. ૭૮,૦૦૦ લેખે કુલ રૂ. ૧૫.૬૦ લાખની સબસિડી ચૂકવવામાં આવી હતી. આ ઉપરાંત શ્રમ અને રોજગાર વિભાગની વિકસિત ભારત જી-રામ-જી યોજના, નમોશ્રી યોજના, જનની સુરક્ષા યોજના, આભા કાર્ડ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના સહિતની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓના લાભો પણ ગ્રામજનોને આપવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પ્રાંત અધિકારીશ્રી રાહુલ ખાંભરા સહિત વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

42
Default choosing

Did you like our plugin?

સૌથી વધુ વંચાયેલ

Horoscope

Weather

વધુ વાંચો
error: Content is protected !!

જિલ્લા

શહેર પસંદ કરો