16 ઓકટોમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

વિવિધ યોજનાઓના લક્ષ્યાંકો, અમલીકરણ અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન અપાયું.બનાસકાંઠા જિલ્લામાં વિવિધ વિકાસલક્ષી અને જનકલ્યાણલક્ષી યોજનાઓના અસરકારક અમલીકરણ તથા કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવાના હેતુથી જિલ્લા પ્રભારી સચિવશ્રી ડી. કે. પ્રવીણાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
બેઠક દરમિયાન પ્રભારી સચિવશ્રીએ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે સંબંધિત વિભાગો દ્વારા યોજનાઓ અંતર્ગત નિર્ધારિત કરવામાં આવેલા લક્ષ્યાંકો, અત્યાર સુધી પૂર્ણ થયેલી કામગીરી, બાકી રહેલી કામગીરી અને યોજનાઓની વર્તમાન સ્થિતિ અંગે અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. આ ઉપરાંત, યોજનાઓના અમલીકરણમાં થતી પ્રગતિની સમીક્ષા કરી કામગીરીને વધુ અસરકારક બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રભારી સચિવશ્રીએ સંબંધિત અધિકારીઓને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ પાત્ર લાભાર્થીઓ સુધી સમયસર પહોંચે તે સુનિશ્ચિત કરવા, નિર્ધારિત લક્ષ્યાંકો સમયમર્યાદામાં પૂર્ણ કરવા તથા બાકી રહેલી કામગીરીને પ્રાથમિકતા આપવા જરૂરી સૂચનો કર્યા હતા. સાથે જ, વિવિધ વિભાગો વચ્ચે સંકલન જાળવી વિકાસલક્ષી અને જનહિતલક્ષી કામગીરીને વધુ વેગ આપવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ. જે. દવે, નિવાસી અધિક કલેક્ટરશ્રી સી. પી. પટેલ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.













