24 ઓક્ટોમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

જમ્મુ-કાશ્મીરના કટરા ખાતે વૈષ્ણોદેવી મંદિરમાં ૭૦ કિલો પંચધાતુના શ્રીયંત્રની શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપના સંપન્ન કરાઈ: બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ ઉપસ્થિત રહ્યા
ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિર ટ્રસ્ટના સહયોગથી અને અમદાવાદના જય ભોલે ગ્રુપના સંયુક્ત ઉપક્રમે જમ્મુ-કાશ્મીર સ્થિત પવિત્ર યાત્રાધામ માતા વૈષ્ણોદેવીના દરબારમાં પંચધાતુમાંથી નિર્મિત ભવ્ય શ્રીયંત્ર તેમજ દેશની ૫૧ શક્તિપીઠોની પાવન માટીમાંથી તૈયાર કરાયેલા વિશિષ્ટ શ્રીયંત્રનું શ્રદ્ધાપૂર્વક અર્પણ કરવામાં આવ્યું છે. વૈષ્ણોદેવી મંદિરના મુખ્ય પૂજારીશ્રીના સાનિધ્યમાં વૈદિક મંત્રોચ્ચાર અને સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે બંને શ્રીયંત્રોનું ગર્ભગૃહમાં પ્રતિષ્ઠાપન સંપન્ન થયું હતું, જેના પગલે સમગ્ર પવિત્ર પરિસરમાં અલૌકિક આધ્યાત્મિક ઊર્જાનો સંચાર થયો હતો. આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને અંબાજી ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલે જણાવ્યું હતું કે, અંબાજી મંદિર ટ્રસ્ટના સહયોગથી જય ભોલે ગ્રુપ દ્વારા અંદાજિત ૭૦ કિલો પંચધાતુમાંથી બનેલું પવિત્ર શ્રીયંત્ર વૈષ્ણોદેવી માતાના ચરણોમાં અર્પણ કરી તેનું મુખ્ય પૂજારીશ્રીની ઉપસ્થિતિમાં પ્રતિષ્ઠાપન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કાર્યને સફળ બનાવવા બદલ તેમણે અંબાજી મંદિર ટ્રસ્ટ વતી જય ભોલે ગ્રુપ અમદાવાદ, દીપેશભાઈ અને તેમની સંપૂર્ણ ટીમ તેમજ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ પ્રશાસનનો અંતઃકરણપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર આયોજનનું મુખ્ય કેન્દ્રબિંદુ દેશભરની ૫૧ શક્તિપીઠોમાંથી એકત્રિત કરાયેલી પવિત્ર માટીમાંથી કંડારાયેલું વિશિષ્ટ શ્રીયંત્ર રહ્યું હતું. પૌરાણિક માન્યતા મુજબ જ્યાં-જ્યાં માતા સતીના અંગો પડ્યા હતા તે તમામ શક્તિધામોની સામૂહિક ચૈતન્ય ઊર્જાને આ એક જ યંત્રમાં સમાવિષ્ટ કરવામાં આવી છે, જે ભારતની પ્રાચીન શક્તિ-ઉપાસના પરંપરાને એક તાંતણે બાંધતું અજોડ પ્રતીક છે. આ સાથે માતા ત્રિપુરસુંદરીની સાધનાના પ્રતીક સમાન પંચધાતુનું શ્રીયંત્ર પણ અર્પણ કરાયું હતું. આ બંને યંત્રોને શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે દક્ષિણ ભારતના ઐતિહાસિક શ્રી શૃંગેરી શારદા પીઠમ્ ખાતે પરમ પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય શ્રી શ્રી વિધુશેખર ભારતી મહાસ્વામીજીના કરકમળો દ્વારા વિધિવત્ પૂજિત કરાવી તેમના દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવ્યા હતા.ગુજરાતનું આદ્યશક્તિ ધામ અંબાજી અને જમ્મુ-કાશ્મીરનું વૈષ્ણોદેવી ધામ દેશના કરોડો શ્રદ્ધાળુઓ માટે પરમ આસ્થાનાં કેન્દ્રો છે. આ ભગીરથ પહેલ થકી બંને પવિત્ર શક્તિધામો વચ્ચે ભક્તિ, સંસ્કૃતિ અને રાષ્ટ્રીય એકતાનો અનોખો સેતુ રચાયો છે. ૫૧ શક્તિપીઠોની માટીના એકત્રીકરણથી લઈને કટરા ખાતે વૈષ્ણોદેવીના ચરણોમાં વિધિવત્ સ્થાપના સુધીની આ સફર જય ભોલે ગ્રુપની ધર્મનિષ્ઠા, સમર્પણ અને સનાતન સંસ્કૃતિ પ્રત્યેની અડગ શ્રદ્ધાનું પ્રેરણાદાયી ઉદાહરણ બની રહી છે.આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને અંબાજી મંદિર ટ્રસ્ટના ચેરમેન શ્રી મિહિર પટેલ, ટ્રસ્ટના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદી તેમજ અમદાવાદના જય ભોલે ગ્રુપના શ્રી દીપેશભાઈ સહિત તેમની સમગ્ર ટીમ વિશેષ ઉપસ્થિત રહી હતી.













