તા.01/10/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


સુરેન્દ્રનગર મનપા વિસ્તારમાં મૂળચંદ રોડ પર રૂ. ૩૪ કરોડના જંગી ખર્ચે તૈયાર કરવામાં આવેલો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છેલ્લા એક વર્ષથી સંપૂર્ણપણે બંધ હાલતમાં ધૂળ ખાતો પડ્યો છે. પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા ખર્ચીને ઉભો કરાયેલો આ પ્લાન્ટ હાલ તંત્રની ઘોર ઉપેક્ષાના કારણે માત્ર ‘શોભાના ગાંઠિયા’ સમાન બનીને રહી ગયો છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનો મુખ્ય હેતુ એ હતો કે શહેરનો દૂષિત કચરો અને ગંદુ પાણી શુદ્ધ કરી આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને સિંચાઈ માટે પૂરું પાડવામાં આવે. શરૂઆતના બે વર્ષ સુધી ખેડૂતોને શુદ્ધ કરેલું પાણી મળતું હતું, પરંતુ છેલ્લા એક વર્ષથી પ્લાન્ટ ઠપ્પ થઈ જતાં ખેડૂતોની હાલાકીમાં ભારે વધારો થયો છે. છેલ્લા એક વર્ષથી પ્લાન્ટ બંધ હોવાને કારણે અંદર રહેલી કિંમતી મોટરો, પાઈપ લાઈનો અને દીવાલોને ભારે નુકસાન પહોંચ્યું છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, શહેરી વિસ્તારમાંથી દૂષિત પાણી લાવતી મુખ્ય લાઈનોમાં ભાંગતોડ થઈ છે અને પંપીંગની યોગ્ય વ્યવસ્થા જ ન હોવાના કારણે આખો પ્લાન્ટ બંધ કરી દેવાની નોબત આવી છે. ખેડૂતો અને પર્યાવરણને બેવડો ફટકો પ્લાન્ટ બંધ થતાં જ શુદ્ધ પાણી મળતું બંધ થઈ જતાં આસપાસના ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે અને સિંચાઈ માટે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. બીજી તરફ, શહેરનું દૂષિત પાણી કોઈપણ પ્રકારના શુદ્ધિકરણ વગર જ સીધું ભોગાવો નદીમાં ઠાલવવામાં આવી રહ્યું છે. શુદ્ધિકરણ વગરના આ ઝેરી પાણીને કારણે ભોગાવો નદી અને આસપાસના વિસ્તારમાં સાંજના સમયે ભારે દુર્ગંધ પ્રસરી રહી છે, જેનાથી ભયાનક રોગચાળો ફાટી નીકળવાની દહેશત સ્થાનિક રહીશોમાં સેવાઈ રહી છે. રૂ. ૩૪ કરોડનો ખર્ચ કરવા છતાં ન તો ખેડૂતોને ફાયદો થયો કે ન તો પર્યાવરણનું રક્ષણ થયું. તંત્રની આ લાપરવાહી સામે સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ભારે રોષ વ્યાપ્યો છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે પાઈપલાઈન અને પંપીંગ વ્યવસ્થાનું રીપેરિંગ કરાવી પ્લાન્ટ પુનઃ શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.










