MORBI:મોરબી મહાપાલિકાની લાલ આંખ: મનપા બન્યા બાદ અત્યાર સુધીમાં ૩,૯૩૬ રખડતા પશુઓ ડબ્બે પુરાયા

મોરબી મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ બનતા અને અકસ્માત સર્જતા રખડતા ઢોર સામે તંત્ર દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. મોરબી મહાનગરપાલિકાની રચના થઈ ત્યારથી લઈને આજદિન સુધીમાં ANCD (એનિમલ ન્યુસન્સ કંટ્રોલ ડિપાર્ટમેન્ટ) શાખા દ્વારા શહેરના વિવિધ માર્ગો પરથી કુલ ૩,૯૩૬ રખડતા પશુઓને પકડવામાં આવ્યા છે.

છેલ્લા એક અઠવાડિયા દરમિયાન જ તંત્ર દ્વારા વધુ ૨૬ પશુઓને પકડી પાંજરાપોળ ભેગા કરવામાં આવ્યા છે. શહેરના જાહેર માર્ગો પરથી પકડાયેલા તમામ પશુઓને મોરબી જિલ્લાની આસપાસ આવેલી માન્ય ગૌશાળાઓ, નંદીઘર અને પાંજરાપોળ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત મોરબી મહાનગરપાલિકા હસ્તકના નંદીઘરમાંથી પણ ૬૦૦થી વધુ પશુઓને વિવિધ ગૌશાળાઓ અને પાંજરાપોળ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
પશુઓના વ્યવસ્થિત નિયમન અને ઓળખ માટે મહાપાલિકા દ્વારા અત્યાર સુધીમાં કુલ ૨,૯૨૦ પશુઓનું RFID અને ટેગિંગ કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ સાથે જ ANCD શાખા દ્વારા અત્યાર સુધીમાં ૩૦૬ પશુ માલિકોને નવા લાયસન્સ ઇશ્યૂ કરવામાં આવ્યા છે, જ્યારે ૪૫ માલિકોના લાયસન્સ રિન્યૂ કરાયા છે. ઘાસચારાના વેચાણ પર નિયંત્રણ રાખવા માટે ૩૫ લોકોને ઘાસ વેચાણની પરમિટ અપાઈ છે અને ૪ પરમિટ રિન્યૂ કરવામાં આવી છે.
શહેરીજનોમાં શ્વાન પાળવાના વધતા વલણને ધ્યાને રાખીને અત્યાર સુધીમાં ૪૯ નાગરિકોના પેટડોગનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે અને ૧૦ ડોગ લાયસન્સ પરમિટ રિન્યૂ કરવામાં આવી છે. મોરબી મહાનગરપાલિકા તંત્ર દ્વારા તમામ પશુપાલકોને પોતાના પશુઓનું ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવા તેમજ પેટડોગ ધરાવતા નાગરિકોને નિયમ મુજબ રજીસ્ટ્રેશન કરાવી લેવા જાહેર અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આગામી દિવસોમાં પણ શહેરમાંથી રખડતા ઢોર પકડવાની અને RFID ટેગિંગ કરવાની ઝુંબેશ વધુ કડક રીતે યથાવત રહેશે.













