રાજ્યની જેલ, ડીજીપી કચેરી અને મંદિરોને બોમ્બથી ઉડાવી દેવાના ધમકીભર્યા ઈ-મેઇલથી ખળભળાટ જામનગરમાં જિલ્લા જેલ સહિત મંદિરોમાં પોલીસનું સઘન ચેકિંગ

સ્ટેટ કંટ્રોલ રૂમમાંથી સવારે સાડા નવ વાગ્યે સૂચના મળતાં એસઓજી, એલસીબી, બોમ્બ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસ દોડતી થઈ
સતત બે કલાક સુધી જિલ્લા જેલમાં સર્ચ ઓપરેશન, ધાર્મિક સ્થળોએ પણ તપાસ, ક્યાંય વાંધાજનક વસ્તુ મળી નહીં જેથી પોલીસ તંત્ર ને રાહત
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર તા. ૩,
ગુજરાત રાજ્યની જેલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઇલ મળતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. રાજ્યની જેલોની સાથે ડીજીપી કચેરી અને વિવિધ મંદિરો સહિતનાં ધાર્મિક સ્થળોને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાના અહેવાલો વચ્ચે જામનગર પોલીસ તંત્ર પણ સતર્ક બન્યું હતું. સ્ટેટ કંટ્રોલ રૂમમાંથી આજે સવારે સાડા નવ વાગ્યાના અરસામાં જામનગર પોલીસને સ્વતંત્ર રીતે તપાસ અને ચેકિંગ કરવા સૂચના મળતાં જ એસઓજી, એલસીબી, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોર્ડ અને સીટી ‘એ’ ડિવિઝન પોલીસની ટીમો તાત્કાલિક કામે લાગી હતી.
સૌપ્રથમ જામનગરની જિલ્લા જેલમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરીમાં બોમ્બ સ્ક્વોડની ટીમની સાથે જેલ તંત્રના કર્મચારીઓ પણ જોડાયા હતા. આશરે બે કલાક સુધી ચાલેલી તપાસ દરમિયાન જેલના વિવિધ વિસ્તારોમાં ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. જોકે, કોઈ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી આવી નહોતી.
બીજી તરફ, મંદિરો સહિતનાં ધાર્મિક સ્થળોને પણ ધમકી આપવામાં આવી હોવાથી જામનગર પોલીસ દ્વારા શહેરનાં મુખ્ય મંદિરોમાં પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. શહેરના ભીડભંજન મહાદેવ મંદિરો, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, સિદ્ધનાથ મહાદેવ મંદિર સહિતનાં ધાર્મિક સ્થળો અને તેની આસપાસના વિસ્તારોમાં પોલીસની ટીમોએ ચેકિંગ હાથ ધર્યું હતું.
રાજ્યભરમાં મળેલી ધમકીના પગલે જામનગરમાં પણ પોલીસ તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે હાથ ધરાયેલી તપાસ દરમિયાન ક્યાંયથી કોઈ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી. પરિણામે પોલીસ તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. જોકે, ધમકીભર્યા ઈ-મેઇલને પગલે સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્રની સતર્કતા અને ચેકિંગની કામગીરી યથાવત્ રાખવામાં આવી છે.










