નર્મદા જિલ્લામાં રોડ સેફ્ટી માટે એઆરટીઓની કડક કાર્યવાહી : ત્રણ મહિનામાં ૨,૮૮૩ કેસ, રૂપિયા ૫૭.૦૨ લાખના દંડની વસૂલાત
રાજપીપળા : જુનેદ ખત્રી
નર્મદા જિલ્લામાં માર્ગ સલામતીના નિયમોનું પાલન થાય અને માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટે તે માટે સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (ARTO) દ્વારા નિયમિત ચેકિંગ અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત મે, જૂન અને જુલાઈ-૨૦૨૬ દરમિયાન કુલ ૨,૮૮૩ કેસમાં કાર્યવાહી કરી રૂ. ૫૭.૦૨ લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે.

મેથી જુલાઈ-2026 દરમિયાન ત્રણ મહિનાના આંકડાઓ પર નજર કરીએ તો માર્ગ સલામતીના નિયમોના ભંગ સામે કરવામાં આવેલી કાર્યવાહી સૌથી વધુ રહી છે. રોડ સેફ્ટી કેટેગરી હેઠળ જ કુલ ૯૯૬ કેસ નોંધાયા છે અને રૂપિયા ૧૧ લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ પૈકી મે મહિનામાં ૩૨૪ કેસ, જૂનમાં ૩૫૫ કેસ અને જુલાઈમાં ૩૧૭ કેસ નોંધાયા હતા. જૂન મહિનામાં રોડ સેફ્ટી સંબંધિત સૌથી વધુ ૩૫૫ કેસ નોંધાયા હતા.
એઆરટીઓના આંકડા મુજબ મે-૨૦૨૬માં વિવિધ પ્રકારના નિયમભંગના કુલ ૮૨૨ કેસમાં રૂ. ૧૬.૯૧ લાખ, જૂન-૨૦૨૬માં ૧,૦૬૯ કેસમાં રૂ. ૨૨.૦૩ લાખ અને જુલાઈ-૨૦૨૬માં ૯૯૨ કેસમાં રૂ. ૧૮.૦૮ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. આમ, ત્રણ મહિનામાં કેસોની સંખ્યા અને દંડની રકમ બંનેની દૃષ્ટિએ ૧,૦૬૯ કેસ સાથે જૂન મહિનો સૌથી વધુ કાર્યવાહી ધરાવતો મહિનો રહ્યો હતો.
*ફિટનેસ સર્ટિફિકેટના ભંગ બદલ રૂ. ૧૦.૧૬ લાખનો દંડ*
વાહનો રસ્તા પર દોડવા માટે યોગ્ય સ્થિતિમાં હોય તે સુનિશ્ચિત કરવા માટે ફિટનેસ સંબંધિત ચકાસણી પણ મહત્વપૂર્ણ છે. ત્રણ મહિનામાં ફિટનેસના કુલ ૨૦૭ કેસ નોંધાયા હતા અને તેના બદલામાં રૂ. ૧૦.૧૬ લાખનો દંડ વસૂલાયો હતો. ખાસ કરીને આ કેટેગરીમાં કેસોની સંખ્યા કરતાં દંડની રકમ નોંધપાત્ર જોવા મળે છે, જે વાહનોની કાયદેસર ફિટનેસ અને માર્ગયોગ્યતાની ચકાસણીની ગંભીરતા દર્શાવે છે.
*જુલાઈમાં પાર્કિંગના કેસોમાં મોટો તફાવત નોંધાયો*
ત્રણ મહિનાના આંકડાઓમાં પાર્કિંગના નિયમોના ભંગના કેસો પણ નોંધપાત્ર રહ્યા છે. મે મહિનામાં ૨૩ અને જૂનમાં ૪૨ કેસની સરખામણીએ જુલાઈમાં એક જ મહિનામાં ૧૮૪ કેસ નોંધાયા હતા. ત્રણ મહિનામાં કુલ ૨૪૯ કેસમાં રૂ. ૧.૪૨ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. જુલાઈમાં પાર્કિંગ સંબંધિત કાર્યવાહીનો આ વધારો શહેર અને મુખ્ય માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવતી ચકાસણીને દર્શાવે છે.
*PUCના ૫૭૬ કેસ : વાહનોના પ્રદૂષણ નિયંત્રણ પર પણ નજર*
રોડ સેફ્ટી ઉપરાંત વાહનોની પર્યાવરણીય સલામતી અને કાયદેસર દસ્તાવેજોની ચકાસણી પણ કરવામાં આવી રહી છે. ત્રણ મહિનામાં PUCના નિયમોના ભંગના કુલ ૫૭૬ કેસ નોંધાયા હતા અને રૂ. ૨.૯૮ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. મે મહિનામાં PUCના ૧૬૬, જૂનમાં ૨૩૨ અને જુલાઈમાં ૧૭૮ કેસ નોંધાયા હતા. આ આંકડા દર્શાવે છે કે વાહનો પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર સાથે રસ્તા પર દોડે તે માટે પણ તંત્ર દ્વારા સતત ચકાસણી કરવામાં આવી રહી છે.
*જોખમી ડ્રાઇવિંગ અને હેલ્મેટ-સીટબેલ્ટના નિયમોસામે કાર્યવાહી*
રસ્તા પર વાહનચાલકોની બેદરકારી અકસ્માતનું કારણ ન બને તે માટે Dangerous Driving સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્રણ મહિનામાં જોખમી ડ્રાઇવિંગના કુલ ૮૧ કેસ નોંધાયા હતા અને રૂ. ૨.૨૨ લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો. તે જ રીતે હેલ્મેટના નિયમોના ભંગ બદલ ૮૦ કેસમાં રૂ. ૪૦ હજાર, જ્યારે સીટબેલ્ટના નિયમોના ભંગ બદલ ૬૦ કેસમાં રૂ. ૩૦ હજારનો દંડ વસૂલવામાં આવ્યો હતો.
નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનાની આ કામગીરી વાહનચાલકોમાં ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ અને જવાબદારી વધારવાના પ્રયાસરૂપે થયેલી છે. હેલ્મેટ અને સીટબેલ્ટ જેવા જીવનરક્ષક નિયમોથી લઈને વાહનની ફિટનેસ, PUC, ઇન્શ્યોરન્સ, પાર્કિંગ અને ખતરનાક ડ્રાઇવિંગ જેવા વિવિધ પાસાઓ સામે કરવામાં આવેલી કાર્યવાહી થકી માર્ગ પર સુરક્ષિત વ્યવહાર અને નિયમપાલનને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.




