બોડેલી રેલવે ફાટક નજીકથી અજાણ્યા આધેડનો મૃતદેહ મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે બોડેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર (CHC) ખાતે ખસેડ્યો હતો. દરમિયાન મૃતકની ઓળખ મેળવવાના પ્રયાસો બાદ તેમની ઓળખ પાવીજેતપુર તાલુકાના તંબોળિયા ગામના ગણપતભાઈ છગનભાઈ નાયકા, ઉંમર આશરે 50 વર્ષ, તરીકે થઈ હતી. મળતી માહિતી મુજબ, ગણપતભાઈ આશરે સાત વર્ષ પહેલાં કોઈ અગમ્ય કારણોસર ઘરેથી નીકળી ગયા હતા અને ત્યારબાદ બોડેલી વિસ્તારમાં પ્લાસ્ટિક તથા ભંગાર વીણીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. બનાવ અંગે પોલીસ દ્વારા પરિવારજનોને જાણ કરવામાં આવતાં તેઓ બોડેલી ખાતે પહોંચ્યા હતા અને મૃતદેહની ઓળખ કરી હતી. ત્યારબાદ પરિવારજનોએ મૃતદેહનો કબજો મેળવી અંતિમ સંસ્કાર માટે ઘરે લઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આધેડનું મૃત્યુ કયા સંજોગોમાં થયું તે અંગેની ચોક્કસ વિગતો સામે આવી નથી.

રિપોર્ટર તોસીફ ખત્રી









