અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજ – ધી નારણપુર ગ્રુપ સેવા સહકારી મંડળી સંચાલિત દુકાનનો પરવાનો 90 દિવસ માટે મોકૂફ રાખવાનો હુકમ કરવામાં આવ્યો

મોડાસા : અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પાણીબાર ગામે સરકારી વાજબી ભાવની દુકાનમાં ગેરરીતિઓ સામે આવતાં જિલ્લા પુરવઠા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ધી નારણપુર ગ્રુપ સેવા સહકારી મંડળી સંચાલિત દુકાનનો પરવાનો 90 દિવસ માટે મોકૂફ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે
તા. 21 ઓક્ટોબર, 2026ના રોજ સોશિયલ મીડિયા પર પ્રસિદ્ધ અહેવાલ અને ટેલિફોનિક રજૂઆતના આધારે મેઘરજ મામલતદાર કચેરીની પુરવઠા ટીમે દુકાનની તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઓનલાઈન અને ભૌતિક જથ્થાની સરખામણી કરતાં વિવિધ ચીજવસ્તુઓના જથ્થામાં વધઘટ જણાઈ આવી હતી. આ ઉપરાંત દુકાનમાં ગુજરાત રાજ્ય અન્ન આયોગનું બોર્ડ ગ્રાહકો જોઈ શકે તે રીતે લગાવવામાં આવ્યું ન હોવાનું પણ સામે આવ્યું હતું.તપાસ દરમિયાન દુકાનમાં ખાતરનો જથ્થો કંતાનના કોથળાની અંદર પેક કરેલો મળી આવ્યો હતો. આ મામલે જિલ્લા ખેતી નિયામક, અરવલ્લીને નિયમોનુસાર કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે
જાહેર વિતરણ વ્યવસ્થા (નિયંત્રણ) હુકમ-2001, આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955 અને ગુજરાત આવશ્યક ચીજવસ્તુ (વાજબી ભાવની દુકાનોને લાયસન્સ આપવા બાબત) હુકમ-2004ની જોગવાઈઓના ભંગ બદલ તા. 22 ઓક્ટોબર, 2026ના હુકમથી દુકાનનો પરવાનો 90 દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. સાથે જ જથ્થામાં વધઘટના આધારે દંડ અને શિક્ષાત્મક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
ઓડ ગામની દુકાન સામે પણ કાર્યવાહી
જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા અગાઉ શામળાજી તાલુકાના ઓડ ગામે ધી ઓડ ગ્રુપ સેવા સહકારી મંડળી સંચાલિત વાજબી ભાવની દુકાનની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. તપાસમાં ઓનલાઈન અને ભૌતિક જથ્થાની સરખામણી કરતાં મોટા પ્રમાણમાં ઘટ જણાતાં તા. 6 ઓક્ટોબર, 2026થી દુકાનનો પરવાનો 90 દિવસ માટે મોકૂફ રાખવામાં આવ્યો હતો.આ ઉપરાંત જિલ્લા અને તાલુકા કક્ષાએ વાજબી ભાવની દુકાનોની તપાસ દરમિયાન જણાયેલી ગેરરીતિઓના આધારે કુલ રૂ. 1,16,494નો દંડ વસૂલવા હુકમો કરવામાં આવ્યા છે.જિલ્લા પુરવઠા કચેરીએ સ્પષ્ટ કર્યું છે કે જાહેર વિતરણ વ્યવસ્થામાં ગેરરીતિઓ, અનિયમિતતા કે લાભાર્થીઓના હક્કોના ભંગને કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે.









