વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું; રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના આનંદપુરી નજીક આવેલા માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માંગ
ગુજરાતના ડાંગ જિલ્લામાંથી આદિવાસી સમાજના ઐતિહાસિક બલિદાનને રાષ્ટ્રીય સ્તરે સન્માન અપાવવાની માંગ ઉઠી છે. જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા ડાંગ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં આનંદપુરી નજીક, રાજસ્થાન-ગુજરાત સરહદે આવેલી માનગઢ ટેકરી પરના માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ૧૭ નવેમ્બર, ૧૯૧૩ના રોજ સંત શ્રી ગોવિંદ ગુરુના નેતૃત્વમાં માનગઢ ખાતે એકત્રિત થયેલા આદિવાસીઓ પર અંગ્રેજ શાસન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં આશરે ૧,૫૦૦ આદિવાસીઓ શહીદ થયા હતા. આ ઐતિહાસિક ઘટનાને આદિવાસી સમાજના શૌર્ય, સંઘર્ષ અને બલિદાનના પ્રતીક તરીકે યાદ કરવામાં આવે છે. જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતે અખિલ ભારતીય વનવાસી કલ્યાણ આશ્રમના કેન્દ્રીય કાર્યકારી મંડળની ભીલવાડા ખાતે યોજાયેલી બેઠકમાં માનગઢ ધામ અંગે રજૂ કરાયેલા ઠરાવને સમર્થન આપ્યું છે. સંસ્થાએ માનગઢ ધામને રાષ્ટ્રીય સ્મારકનો દરજ્જો આપવા, તેના ઐતિહાસિક વારસાનું સંરક્ષણ કરવા અને સ્થળના વિકાસ માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે.સંસ્થાએ જિલ્લા કલેક્ટર મારફતે કેન્દ્ર અને રાજ્ય સરકાર સુધી રજૂઆત પહોંચાડીને આ ઐતિહાસિક સ્થળને યોગ્ય રાષ્ટ્રીય ઓળખ અને સન્માન મળે તે માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની અપીલ કરી છે.










