તા.21/09/2026/બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


સ્મશાનયાત્રા કાઢવી પણ મુશ્કેલ બની: ખાડા- ખડીયાવાળા રસ્તાના કારણે લોકોમાં રોષ, સુરેન્દ્રનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ રસ્તાઓની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. ધોવાયેલા અને તૂટી ગયેલા માર્ગોના રીપેરીંગ કામ પ્રત્યે સુરેન્દ્રનગર મહાનગર પાલિકા દ્વારા ઘોર ઉપેક્ષા સેવવામાં આવી રહી હોવાનો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ સુરેન્દ્રનગરને મહાનગર પાલિકાનો દર્જો મળતા ખેરાળી અને માળોદ ગામોનો તેમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. તે સમયે રાજકીય નેતાઓ દ્વારા આ વિસ્તારોને તમામ આધુનિક અને પ્રાથમિક સુવિધાઓ આપવાના મોટા મોટા દાવા અને વચનો આપવામાં આવ્યા હતા. પરંતુ વાસ્તવિકતા એ છે કે આજે પણ આ ગામોના લોકો પ્રાથમિક સુવિધાઓ માટે ઝૂરતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ખેરાળી ગામથી માળોદ તરફ જતો મુખ્ય રસ્તો એટલી હદે બિસ્માર બની ગયો છે કે ત્યાંથી પસાર થવું જોખમી બની ગયું છે. રસ્તા પર ઠેર-ઠેર મસમોટા ખાડા પડી ગયા છે અને કપચીઓ પણ નીકળી ગઈ છે. આ જ રસ્તો ગામના સ્મશાનગૃહ તરફ જતો હોવાથી જ્યારે પણ ગામમાં કોઈનું અવસાન થાય ત્યારે મૃતદેહને સ્મશાને લઈ જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ખાડાટેકરા વાળા રસ્તા પરથી નનામી લઈને નીકળવું પણ લોકો માટે અત્યંત મુશ્કેલ બની ગયું છે. આ મુખ્ય રસ્તા પરથી દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો, વાહન ચાલકો અને ગ્રામજનો પસાર થાય છે, પરંતુ રસ્તાની ખરાબ હાલતને કારણે અકસ્માતનો સતત ભય રહે છે. આ બિસ્માર રસ્તા અંગે મહાનગર પાલિકા તંત્રને અનેકવાર લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પાલિકાના પેટનું પાણી હલતું નથી. તંત્રની આ નિષ્ક્રિયતા અને અણઘડ નીતિથી કંટાળીને અંતે ખેરાળી અને માળોદના ગ્રામજનોએ એકત્રિત થઈ વિરોધ નોંધાવ્યો છે. ગ્રામજનોએ સ્પષ્ટ માંગ કરી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ રસ્તાનું નવીનીકરણ અથવા રીપેરિંગ કામ હાથ ધરવામાં આવે. જો વહેલી તકે યોગ્ય કામગીરી કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર ગ્રામજનો સાથે મળીને ઉગ્ર આંદોલન આદરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.








