જામનગરના હાપા યાર્ડમાં મગફળીના ભાવમાં તેજી આવી: ૯ નંબરની મગફળીનો મણનો સૌથી ઊંચો રૂ. ૨,૭૬૫નો ભાવ બોલાય

હાલારની મગફળીની તમિલનાડુ સુધી મહેક બિયારણ માટે ખરીદી કરવા ૨૫થી ૩૦ વેપારીઓએ જામનગરમાં ધામા નાખ્યા
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર તા. ૩૦: જામનગરની ભાગોળે આવેલા હાપા માર્કેટિંગ યાર્ડમાં હાલ મગફળીની મબલખ આવક થઈ રહી છે. બીજી તરફ, સારી ગુણવત્તાની હાલારી મગફળીની માંગ તમિલનાડુ સુધી પહોંચતાં ત્યાંના આશરે ૨૫થી ૩૦ વેપારીઓએ મગફળીની ખરીદી માટે હાપા યાર્ડમાં ધામા નાખ્યા છે. ગુરુવારે યાર્ડમાં મગફળીની ૯ નંબરની જણસનો સૌથી ઊંચો ભાવ પ્રતિ મણ રૂ. ૨,૭૬૫ બોલાયો હોવાનું જાણવા મળે છે.
હાપા યાર્ડમાં ગુરુવારે કુલ ૭૮૧ ખેડૂતો વિવિધ જણસોના વેચાણ માટે પહોંચ્યા હતા. જેમાંથી ૨૨૪ ખેડૂતોએ મગફળી ઠાલવતાં કુલ ૧૫,૧૮૩ મણ મગફળીની આવક નોંધાઈ હતી. મગફળી ઉપરાંત અન્ય જણસોની પણ આવક થઈ હતી. યાર્ડમાં કુલ ૧૭ જેટલી જુદી જુદી જણસોની નાની-મોટી આવક નોંધાઈ હતી, જેમાં મગફળીની આવક સૌથી વધુ રહી હતી. મગફળીની આશરે ૯,૫૭૪ ગુણીનું વેચાણ થયું હતું.
મગફળીના ભાવની વાત કરીએ તો અલગ અલગ નંબર અને ગુણવત્તા પ્રમાણે ભાવમાં તફાવત જોવા મળ્યો હતો. મગફળીના એક પ્રકારના ભાવ રૂ. ૧,૨૦૦થી ૧,૬૪૦ સુધી રહ્યા હતા, જ્યારે અન્ય પ્રકારમાં રૂ. ૧,૭૦૦થી ૨,૭૬૦ સુધીના ભાવ બોલાયા હતા. માર્કેટમાં રૂ. ૧,૫૦૦થી ૨,૩૦૦ સુધીના ભાવ પણ નોંધાયા હતા. જોકે, ૯ નંબરની મગફળીનો સૌથી ઊંચો ભાવ રૂ. ૨,૭૬૫ સુધી પહોંચ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
હાલારની મગફળીની સારી ગુણવત્તા અને બિયારણ તરીકેની ઉપયોગિતા સહિતનાં કારણોસર તમિલનાડુના વેપારીઓમાં તેની ખાસ માંગ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી તમિલનાડુના અંદાજે ૨૫થી ૩૦ વેપારીઓ જામનગરના હાપા યાર્ડમાં ખરીદી માટે આવી રહ્યા છે. આ વેપારીઓ વર્ષોથી દિવાળીના પર્વ સુધી નિયમિત રીતે અહીં આવી સારી ગુણવત્તાની મગફળીની ખરીદી કરતા હોવાનું જાણવા મળે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, તમિલનાડુના વેપારીઓ હાલારી મગફળીનો ઉપયોગ મુખ્યત્વે બિયારણ તરીકે કરે છે. અહીંની મગફળીમાંથી સારી ઉપજ મળતી હોવાથી તમિલનાડુમાં તેની લાંબા સમયથી બોલબાલા જળવાઈ રહી છે. આ ઉપરાંત હાપા યાર્ડમાં મગફળીની સાથે લસણ, કપાસ, જીરું, ડુંગળી, સોયાબીન સહિતની જણસોની પણ નોંધપાત્ર આવક થઈ રહી છે.









