MORBI:મોરબી બીમાર પત્નીના વાળ કાપવા બાબતે બે સાળાનો બનેવી પર હુમલો
મોરબીના જાંબુડિયા ગામે એક ચોંકાવનારો પારિવારિક વિવાદ સામે આવ્યો છે, જેમાં બીમાર પત્નીના વાળ કાપી નાખવાની બાબતે ઉશ્કેરાયેલા બે સાળાએ પોતાના જ બનેવી પર હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ થયો છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેવીને સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

જાંબુડિયા ગામે રહેતા ૫૦ વર્ષીય બળદેવભાઈ જેન્તીભાઈ ઉધરેજા સાંજના સમયે પોતાના ઘરે હાજર હતા.તે દરમિયાન તેમના બે સાળા—બાલા અને રતન—ત્યાં આવી પહોંચ્યા હતા અને બોલાચાલી બાદ મારામારી શરૂ કરી દીધી હતી.હુમલા દરમિયાન બળદેવભાઈને ગુપ્તાંગના ભાગે કોઈ વસ્તુ વડે ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, બળદેવભાઈના પત્ની મંજુબેન લાંબા સમયથી બીમાર હોવાથી જાતે સ્નાન કરી શકતા નહોતા. તેમની સંભાળ લેવાના ભાગરૂપે પતિએ તેમના વાળ કાપી નાખ્યા હતા. પોતાની બહેનના વાળ કાપી નાખવામાં આવ્યા હોવાની બાબતથી નારાજ થઈને બંને સાળાઓએ આ હુમલો કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
પોલીસ કાર્યવાહી ઈજાગ્રસ્ત બળદેવભાઈને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવતા, હોસ્પિટલ પોલીસ ચોકી દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. મોરબી તાલુકા પોલીસે હોસ્પિટલ પહોંચી મેડિકલ રિપોર્ટ તેમજ ફરિયાદના આધારે આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.









