યોગેશ કાનાબાર રાજુલા

લીલીયાના ગુંદરણ ગામે કારમાં સળગાવી બે યુવકોની હત્યા!

ગાડીના કબજા અને રૂ. 60 હજારની લેતીદેતીના વિવાદમાં ડબલ મર્ડરનો ચોંકાવનારો બનાવ
લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં મોડી રાત્રે તોફાન ગાડીમાં આગ લગાવી બે યુવકોની હત્યા કરાયાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગાડીમાં સવાર બે યુવકોના સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગુંદરણ ગામની સીમમાં 2 નવેમ્બરની મોડી રાત્રે નિર્મમ ડબલ મર્ડરની ઘટના સામે આવી હતી. વાડીમાં પાર્ક કરેલી તોફાન ગાડીમાં અજાણ્યા શખ્સોએ આગ ચાંપી દેતાં અંદર સૂતેલા એક સગીર અને યુવકનાં અડધાં સળગેલાં મૃતદેહ મળી આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં લીલીયા પોલીસ અને એસ.ઓ.જી.ની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. મૃતકની ઓળખ રવિ કમલેશભાઈ બાધેલ તરીકે થઈ હોવાનું જાણવા મળ્યું છે.
ગાડીના કબજા અને રૂ. 60 હજારની લેતીદેતીનો વિવાદ
વાડીના માલિકના સંબંધી રમેશ વાલજીભાઈ કાછડિયાના જણાવ્યા મુજબ, તેમના કાકા અશ્વિનભાઈ જીવરાજભાઈ કાછડિયાની વાડીમાં તેમના ભાઈ સુરેશ પટેલ ભાગીયા રાખીને ખેતી કરે છે. રાત્રે આશરે 1:20 વાગ્યે તેમના ફુઆના ફોન પર જાણ કરવામાં આવી હતી કે વાડીમાં ભાગીયાની તોફાન ગાડી સળગાવી દેવામાં આવી છે અને અંદર સૂતેલા બે યુવકો સળગી ગયા છે.
પ્રાથમિક તપાસમાં ગાડીના કબજા અને રૂ. 60 હજારની નાણાકીય લેતીદેતીના વિવાદમાં હત્યા કરાયાની આશંકા સામે આવી છે.
ડીવાયએસપી વિસ્મય માનસેતાના જણાવ્યા મુજબ, ફરિયાદી કમલેશ બાધેલ અને આરોપીઓ વચ્ચે ગાડી તથા પૈસાની લેતીદેતીને લઈને વિવાદ ચાલી રહ્યો હતો.
આરોપી વિનોદ વર્સિંગભાઈ ડોડીયાર (રહે. મધ્યપ્રદેશ)એ રીતેશસિંહ નામના વ્યક્તિ પાસેથી હપ્તેથી તોફાન ગાડી લીધી હતી. સમયસર હપ્તા ન ભરાતા રીતેશસિંહે પોતાના મિત્ર કમલેશ બાધેલને ગાડીનો કબજો લેવા જણાવ્યું હતું. ગાડી પેટે રૂ. 60,000 આપવાના બાકી હોવાથી દસ દિવસ પહેલાં કમલેશભાઈએ ગાડી પોતાના કબજામાં રાખી હતી.
બે આરોપીઓની ધરપકડ, રિમાન્ડ પર લેવાયા
ગાડીનો કબજો પાછો મેળવવાના વિવાદમાં મુખ્ય આરોપી વિનોદ ડોડીયાર અને તેના ચચેરા ભાઈ રાજુ ગોરધનભાઈ ડોડીયાર (બંને રહે. મધ્યપ્રદેશ)એ એકબીજાની મદદગારી કરી મોડી રાત્રે ગાડીમાં બહારથી આગ ચાંપી દીધી હોવાનો આક્ષેપ છે.
લીલીયા પોલીસ સ્ટેશનમાં ડબલ મર્ડરનો ગુનો દાખલ કરી બંને આરોપીઓને રાઉન્ડઅપ કરી લેવામાં આવ્યા છે.
એફએસએલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ વધુ વિગતો સામે આવશે
હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં નાણાકીય વ્યવહાર અને ગાડીનો કબજો રાખવાના વિવાદને હત્યાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. ડીવાયએસપીના જણાવ્યા મુજબ, એફએસએલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ નવી વિગતો સામે આવશે તો તે દિશામાં પણ ઊંડાણપૂર્વક તપાસ આગળ ધપાવવામાં આવશે.
નોંધ: આ સમાચાર આપેલી વિગતોના આધારે સંપાદિત કરવામાં આવ્યા છે. આરોપીઓ સામેના આક્ષેપો તપાસ અને ન્યાયિક પ્રક્રિયા હેઠળ છે.
યોગેશ કાનાબાર અમરેલી









