તા.૦૩.૧૧.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદ જિલ્લાની સબ જેલોમાં સઘન સર્ચ ઓપરેશન: કશું જ શંકાસ્પદ ન મળતાં તંત્રએ લીધો રાહતનો શ્વાસ
રાજ્યના ડીજીપી (DGP)ના સત્તાવાર ઇમેઇલ આઇડી પર અમદાવાદ, વડોદરા અને રાજકોટ જેવી મુખ્ય સેન્ટ્રલ જેલોને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેઇલ મળતાં જ સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ ધમકીભર્યા મેઇલના પગલે સુરક્ષાના આગોતરા ભાગરૂપે દાહોદ જિલ્લા પોલીસ તંત્ર પણ તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અને જિલ્લાની તમામ સબ જેલોમાં એકસાથે સઘન સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.દાહોદ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી BDDS (બોમ્બ ડિસ્પોઝલ અને ડિટેક્શન સ્ક્વોડ), SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ), રૂરલ પોલીસ તેમજ સબ જેલના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓની સંયુક્ત ટીમ બનાવીને જેલ પરિસરમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો.આ ઓપરેશન દરમિયાન દાહોદની ડોકી સબ જેલ, દેવગઢ બારીયા સબ જેલ અને ઝાલોદ સબ જેલ ખાતે ખૂણે-ખૂણાની બારીકાઈથી તપાસ કરવામાં આવી હતી. જેલના બેરેકો, પરિસર તેમજ આસપાસના વિસ્તારોમાં સ્નિફર ડોગ અને મેટલ ડિટેક્ટરની મદદથી સઘન ચેકિંગ હાથ ધરાયું હતું કલાકો સુધી ચાલેલા આ સરપ્રાઇઝ સર્ચ ઓપરેશનના અંતે કોઇપણ પ્રકારની શંકાસ્પદ કે અણબનાવ જેવી વસ્તુ મળી આવી ન હતી, જેથી જેલ પ્રશાસન અને પોલીસ તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. સુરક્ષાના કારણોસર હાલ તમામ જેલો પર પોલીસ બંદોબસ્ત અને દેખરેખ વધુ કડક કરી દેવામાં આવ્યા છે.









