
બોડેલીના ખોડિયાર માતાના મંદિર ચોક તેમજ ઢોકલીયા ગરબી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રિ દરમિયાન ભક્ત ઇંગ્લિશ મીડીયમ સ્કૂલની બાળાઓએ પરંપરાગત વેશભૂષામાં પ્રાચીન ગરબાની સુંદર રજૂઆત કરી હતી, જ્યારે ખોડિયાર માતાના મંદિર ચોકમાં દુર્ગાવાહિનીની બહેનોએ ડીજેના તાલે ‘રમતી આવે માડી રમતી આવે, આજ મારી મેલડી રમતી આવે’ ગરબા પર ડાકલા નૃત્ય રજૂ કરી ઉપસ્થિત ગરબા ભક્તોનાં મન મોહી લીધાં હતાં. આજના આધુનિક યુગમાં ડીજે અને ગાયકોના ગીતો પર ગરબા રમવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે, ત્યારે ભક્ત ઇંગ્લિશ મીડીયમ સ્કૂલની બાળાઓએ પોતાની આગવી શૈલીમાં ‘મા એ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે, સજી સોળે શણગાર લઈ દીવડા કેરી હાર, મા એ પાથર્યો પ્રકાશ ચૌદ લોકમાં રે’ જેવા પ્રાચીન ગરબા સ્વયં ગાઈને સામાન્ય સંગીતના તાલે પરંપરાગત રીતે ગરબે ઘૂમીને ગુજરાતની ભવ્ય સંસ્કૃતિને જીવંત રાખવાનો પ્રયાસ કર્યો હતો. શાળા અને કોરિયોગ્રાફર દીપેન સોનીના માર્ગદર્શન હેઠળ બાળાઓએ કરેલી આ રજૂઆતમાં પરંપરાગત વેશભૂષા, મધુર સ્વર અને ગરબાની આગવી શૈલી જોવા મળી હતી. એક સમયે ગુજરાતની ઓળખ સમાન રહેલા સમૂહમાં સ્વરચિત ગરબા ગાવાની પરંપરા હવે ઓછી જોવા મળે છે, ત્યારે બાળાઓની આ પ્રસ્તુતિએ પ્રાચીન સંસ્કૃતિની યાદ તાજી કરી હતી. બીજી તરફ, દુર્ગાવાહિનીની બહેનોએ ડાકલા નૃત્યની પરંપરાગત છટા સાથે ગરબાની રમઝટ બોલાવી હતી. બંને રજૂઆતો દરમિયાન ખોડિયાર માતાના મંદિર ચોક અને ઢોકલીયા ગરબી ગ્રાઉન્ડ ખાતે ભક્તિમય માહોલ સર્જાયો હતો અને ઉપસ્થિત લોકોએ બાળાઓ તથા દુર્ગાવાહિનીની બહેનોની કલા અને નૃત્યને નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો. આધુનિકતાના યુગમાં પ્રાચીન ગરબા અને પરંપરાગત નૃત્યકલાને જીવંત રાખતી આ રજૂઆતો નવરાત્રિની ભક્તિ, સંસ્કૃતિ અને પરંપરાનું સુંદર ઉદાહરણ બની હતી.

રિપોર્ટર તોસીફ ખત્રી










