નવરાત્રિ પૂર્વે જામનગર પોલીસની સતર્કતા : મહત્વના સ્થળોએ વાહન ચેકિંગ અને સી-ટીમનું પેટ્રોલિંગ

લાલપુર બાયપાસ, તળાવની પાળ અને જોગર્સ પાર્ક સહિતના વિસ્તારોમાં બ્રેથ એનેલાઇઝર સાથે વાહનચાલકોની તપાસ
જામનગર
(નયના દવે દ્વારા)
જામનગર તા. ૮ : આગામી નવરાત્રિ પર્વ દરમિયાન જામનગર શહેર તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જામનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સતર્કતા વધારવામાં આવી છે. તહેવાર દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા મહત્વના સ્થળોએ વિશેષ વાહન ચેકિંગ તથા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
નવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા લાલપુર બાયપાસ, તળાવની પાળ અને જોગર્સ પાર્ક સહિતના મહત્વના સ્થળોએ બ્રેથ એનેલાઇઝર સાથે વાહન ચેકિંગ ડ્રાઈવ યોજવામાં આવી હતી. ખાસ કરીને નશાની હાલતમાં વાહન ચલાવતા વાહનચાલકો સામે કાર્યવાહી કરવા માટે વાહનો રોકી તપાસ કરવામાં આવી હતી.
આ ઉપરાંત પોલીસની સી-ટીમ દ્વારા પણ વિવિધ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. તહેવાર દરમિયાન મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા સહિત જાહેર સ્થળોએ કોઈ વ્યક્તિ દ્વારા તોફાન કે અશાંતિ ન સર્જાય તે માટે પોલીસની ટીમો દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
નવરાત્રિ દરમિયાન શહેર તથા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આવી ચેકિંગ અને પેટ્રોલિંગની કાર્યવાહી વધુ સઘન બનાવવામાં આવશે.











