WAKANER:વાંકાનેરના મહિકા ગામ નજીક ક્રેટા કારમાંથી ૯૫૦ લીટર દેશી દારૂ ઝડપાયો :એક શખ્સની કરી ધરપકડ

વાંકાનેર તાલુકા પોલીસે મહિકા ગામ નજીકથી ક્રેટા કારમાં દેશી દારૂની હેરાફેરી કરી રહેલા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે કારમાંથી ૯૫૦ લીટર દેશી દારૂ, કાર અને મોબાઈલ સહિત કુલ ₹૫,૯૫,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાંકાનેર તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, ક્રેટા કાર (નંબર: GJ-07-DA-8030) માં દેશી દારૂનો જથ્થો ભરીને વાંકાનેર બાઉન્ડ્રી તરફથી વાંકાનેર તરફ લઈ જવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે મહિકા ગામ નજીક વોચ ગોઠવી હતી.
આ દરમિયાન શંકાસ્પદ ક્રેટા કાર આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો હતો, પરંતુ ચાલકે કાર ઊભી રાખવાને બદલે ભગાવી મૂકી હતી. જેથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી મહિકા ગામના પુલ પાસે ખાનગી વાહનની મદદથી કારને કોર્ડન કરી અટકાવી લીધી હતી.
પોલીસે કારની તલાશી લેતા તેમાંથી ₹૧,૯૦,૦૦૦ ની કિંમતનો ૯૫૦ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ, ₹૪,૦૦,૦૦૦ ની કિંમતની ક્રેટા કાર અને ₹૫,૦૦૦ નો મોબાઈલ ફોન મળી કુલ ₹૫,૯૫,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે કારચાલક આરોપી રફીક ઉર્ફે રફ્લો હબીબ વીકીયાણી (રહે. ચંદ્રપુર, તા. વાંકાનેર) ની અટકાયત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.













