તારીખ ૧૩/૧૦/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
નવરાત્રી તહેવાર અન્વયે પેટ્રોલિંગ દરમિયાન પંચમહાલ LCB ને મોટી સફળતા મળી છે. પંચમહાલ જીલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના હેઠળ વેજલપુર પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલા એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.આર.જેતાવત ને બાતમી મળી હતી કે કાલોલ તાલુકાના અડાદરા ગામના સુથાર ફળિયામાં રહેતા હસમુખ ઉર્ફે ભૂરિયો અર્જુનભાઈ જાદવ એ પોતાના ઘરની સામે આવેલી જૂની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડ્યો છે. જે બાતમીના આધારે એલસીબી પોલીસ સબ ઇન્સ્પેકટર એચ.આર. જેતાવત સહિત LCB પોલીસ અને બે પંચો સાથે અડાદરા પિકઅપ સ્ટેન્ડથી સુથાર ફળિયામાં રેઇડ કરી હતી. જ્યાં આરોપીના ઘરમાં તપાસ કરતા કંઈ મળ્યું ન હતું, પરંતુ ઘરની સામેની ખુલ્લી જૂની ઓરડીમાં હાથ બેટરીના અજવાળે તપાસ કરતા અલગ-અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો, ક્વાર્ટર અને બિયર ટીન મળી કુલ નંગ-૧૭૬૧ નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસ મહાનિર્દેશક ગાંધીનગરના પરિપત્ર મુજબ ભાવપત્રક પ્રમાણે આ મુદ્દામાલની કુલ કિંમત રૂ. ૪,૭૬,૩૬૧/-થાય છે. જેમાં મેજીક મોમેન્ટસ રેમિક્સ વોડકા, ગ્રીન લેબલ રીચ બ્લેન્ડ વ્હીસ્કી સહિતની સીલબંધ બોટલોનો સમાવેશ થાય છે.રેઇડ દરમિયાન આરોપી હસમુખ ઉર્ફે ભૂરિયો ઘરે હાજર મળ્યો ન હતો. પોલીસે પ્રોહી મુદ્દામાલ કબજે કરી ફરાર આરોપી વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.










