વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના ડુંગરાળ અને ઘાટ માર્ગો પર વાહનચાલકોની સલામતી વધારવા માટે માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), આહવા દ્વારા વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ચોમાસા બાદ માર્ગોની આસપાસ ઉગી નીકળેલા ઝાડી-ઝાંખરા દૂર કરવા માટે ૨૦૦ કિલોમીટરથી વધુ માર્ગો પર જંગલ કટિંગ, જ્યારે ૧૦૦ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ગેરુ-ચૂના અને સ્ટ્રક્ચર પેઇન્ટિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
ડાંગ જિલ્લો ડુંગરાળ ભૌગોલિક પરિસ્થિતિ અને કુદરતી સૌંદર્ય ધરાવતો હોવાથી અહીંના અનેક માર્ગો વળાંકો અને ઘાટમાંથી પસાર થાય છે. ચોમાસા દરમિયાન માર્ગોની બંને બાજુએ વનસ્પતિ અને ઝાડી-ઝાંખરાનું પ્રમાણ વધી જતાં તીવ્ર વળાંકો પર સામેથી આવતા વાહનો સ્પષ્ટ દેખાતા નથી. પરિણામે અકસ્માતની સંભાવના વધી જાય છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા માર્ગોની બાજુમાં ઉગી નીકળેલી વનસ્પતિ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ૨૦૦ કિલોમીટરથી વધુ માર્ગો પર સાઇડ કટિંગ અને જંગલ કટિંગ કરીને માર્ગોને વધુ ખુલ્લા બનાવવામાં આવ્યા છે, જેથી વળાંકો પર વાહનચાલકોને સામેથી આવતા વાહનો સ્પષ્ટ જોઈ શકાય અને મુસાફરી વધુ સુરક્ષિત બને.
આ ઉપરાંત રાત્રિના સમયે તેમજ ધુમ્મસભર્યા વાતાવરણમાં માર્ગની દિશા અને કિનારીઓ સ્પષ્ટ દેખાય તે હેતુથી માર્ગોની આસપાસ આવેલા વૃક્ષો, પેરાપેટ વોલ, કોઝવે, સી.ડી. વર્ક્સ અને અન્ય માર્ગીય સંરચનાઓ પર ગેરુ-ચૂનો લગાવવાની તથા સ્ટ્રક્ચર પેઇન્ટિંગની કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. ૧૦૦ કિલોમીટરથી વધુ વિસ્તારમાં હાથ ધરાયેલી આ કામગીરીથી માર્ગો પર દૃશ્યતા વધારવામાં મદદ મળશે.
માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય), ડાંગ દ્વારા હાથ ધરવામાં આવેલી આ કામગીરીથી સ્થાનિક વાહનચાલકો ઉપરાંત ડાંગના પ્રવાસન સ્થળોની મુલાકાતે આવતા પ્રવાસીઓને પણ લાભ થવાની અપેક્ષા છે. ખાસ કરીને જોખમી વળાંકો અને ઘાટ માર્ગો પર વાહનચાલકોને વધુ સ્પષ્ટ દૃશ્યતા મળતાં સંભવિત અકસ્માતોનું જોખમ ઘટાડવામાં મદદ મળશે.
આમ, ચોમાસા બાદ માર્ગોની સલામતી અને સુવિધા વધારવા માટે હાથ ધરાયેલી આ ઝુંબેશ ડાંગ જિલ્લાના માર્ગ પરિવહનને વધુ સુરક્ષિત અને સુગમ બનાવવાની દિશામાં મહત્ત્વપૂર્ણ કામગીરી બની રહી છે.









