તા.18/09/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર


સુરેન્દ્રનગર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ દ્વારા સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર બી. એચ. સીંગરખિયા તથા પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ એન.એ. રાયમાની ટીમે ટેક્નિકલ અને હ્યુમન સોર્સિસનો ઉપયોગ કરી અલગ- અલગ જગ્યાએથી બે નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડી મુળી પોલીસ સ્ટેશનને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ કાર્યવાહી પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ કોન્સ્ટેબલ કપિલભાઇ સુમેરાને મળેલ સચોટ બાતમી અને ટેક્નિકલ સોર્સિસના આધારે મુળી પોલીસ સ્ટેશન ગુ.ર.નં. ૦૦૨૫૯/૨૦૨૬ પશુઓ પ્રત્યે ઘાતકીપણું અટકાવવાના અધિનિયમ તથા BNS કલમ ૧૧(૧)(ડી), ૧૧(૧)(ઇ), ૧૧(૧)(એફ) ના ગુનામાં નાસતા ફરતા આરોપી કમાભાઇ સરદારભાઇ સિંધવ રહે, ભોજપરા પાટીયાની સામે, વાંકાનેર, મોરબીને વાંકાનેર ખાતેથી હસ્તગત કરવામાં આવ્યો હતો. ત્યારે બીજી તરફ, ટીમના એ.એસ.આઇ. કિશોરભાઇ પારધીને મળેલી ગુપ્ત બાતમીના આધારે આ જ ગુનામાં નાસતા ફરતા અન્ય આરોપી વિક્રમભાઇ વિહાભાઇ પરમાર રહે, વિજળીયા, થાનને રાપર (કચ્છ) ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. તમામ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પેરોલ ફર્લો સ્કવોડ સુરેન્દ્રનગર દ્વારા બંને આરોપીઓનો કબ્જો આગળની કાર્યવાહી અર્થે મુળી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.









