વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

વઘઈના આદિવાસી સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટે સેવાભાવનું ઉદાહરણ પૂરું પાડ્યું: સમાજના સહકારથી MBBSના અભ્યાસ તરફ સંધ્યાબેનનું એક પગલું આગળ
“જંગલ અને વનવગડામાંથી નીકળેલી કલમ જ્યારે સ્ટેથોસ્કોપ બનશે, ત્યારે માત્ર એક પરિવાર નહીં, પરંતુ આખો આદિવાસી સમાજ ઊંચો ઊઠશે”—આ વિચારને સાકાર કરતી માનવતાભરી પહેલ વઘઈ ખાતે જોવા મળી છે.
ગરીબ પરિવારની તેજસ્વી દીકરી સંધ્યાબેન શૈલેષભાઈ ધુમએ પોતાની અથાગ મહેનત અને પ્રતિભાના બળે NEET પરીક્ષામાં સફળતા મેળવી MBBS મેડિકલ અભ્યાસમાં પ્રવેશ મેળવ્યો છે. સંધ્યાબેનને નડિયાદ સ્થિત ડૉ. એન. ડી. દેસાઈ ફેકલ્ટી ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ ખાતે સરકારી ક્વોટામાં મેડિકલ સીટ પ્રાપ્ત થઈ છે.
પરંતુ આર્થિક પરિસ્થિતિ તેમના ડૉક્ટર બનવાના સપનામાં અડચણ ન બને તે માટે આદિવાસી સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ, વઘઈ (ડાંગ) દ્વારા શિક્ષણ સહાયરૂપે ₹15,051ની આર્થિક મદદ અર્પણ કરવામાં આવી છે.
ટ્રસ્ટ તરફથી મળેલી આ સહાય માત્ર ₹15,051ની રકમ નથી, પરંતુ સમાજના વિશ્વાસ, સ્નેહ અને સંધ્યાબેનના ઉજ્જવળ ભવિષ્ય માટેના આશીર્વાદનું પ્રતિક છે. આર્થિક મુશ્કેલી વચ્ચે મહેનત કરીને ડૉક્ટર બનવાની દિશામાં આગળ વધતી સંધ્યાબેન આવતીકાલે સમાજના જરૂરિયાતમંદ અને ગરીબ લોકોની સેવા કરે તેવો શુભ આશય આ પહેલ પાછળ રહેલો છે.“ફૂલ નહીં તો ફૂલની પાંખડી”ના ભાવ સાથે સમાજના દાતાઓ અને સેવાભાવી લોકો દ્વારા શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવતો સહયોગ અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના જીવનમાં નવી આશા જગાવી શકે છે.આ સહાય પહોંચાડવા માટે ટ્રસ્ટની ટીમ તરફથી વિજયભાઈ થોરાટ, રીતેશભાઈ પટેલ, વિનયભાઈ પટેલ, જીજ્ઞેશભાઈ પટેલ, તાનાજીભાઈ પવાર, ઉમેશભાઈ ચૌધરી અને રોહિતભાઈ ચૌધરી સહિતના સહયોગીઓ મલિન ખાતે પહોંચ્યા હતા. સંધ્યાબેનની સફળતા એ સાબિત કરે છે કે પ્રતિકૂળ પરિસ્થિતિઓ સપનાઓને રોકી શકતી નથી, જો મહેનત સાથે સમાજનો સહયોગ મળે. ગરીબીના અંધકારને ચીરીને ડૉક્ટર બનવા નીકળેલી આ દીકરી આજે સમગ્ર આદિવાસી સમાજ માટે પ્રેરણાની મશાલ બની છે.
આવી સેવાભાવી પહેલો માત્ર એક વિદ્યાર્થીને મદદ કરતી નથી, પરંતુ આવતી પેઢીના શિક્ષણ અને સમાજના સક્ષમ ભવિષ્યનો પાયો મજબૂત કરે છે.








