વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નમો કમલમ ખાતે યોજાયેલી રક્તદાન શિબિરમાં 190 યુનિટ રક્ત એકત્રિત; ભાજપના કાર્યકર્તાઓ, યુવાનો અને સેવાભાવી નાગરિકો જોડાયા
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 76મા જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે નવસારી ખાતે નમો કમલમમાં મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
નવસારી જિલ્લા ભાજપ અને નવસારી મહાનગર ભાજપના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ શિબિરમાં ભાજપના કાર્યકર્તાઓ, યુવાનો તેમજ સેવાભાવી નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. શિબિર દરમિયાન કુલ 190 યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયક, નવસારી મહાનગરના મેયર અશોકભાઈ ધોરાજીયા, ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈ સહિત ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
નમો કમલમ ખાતે રક્તદાન શિબિર ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કેક કટિંગ કાર્યક્રમ પણ યોજાયો હતો. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ કેક કાપીને વડાપ્રધાનશ્રીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ ઉપરાંત જન્મદિવસની ઉજવણીને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડવાના હેતુથી નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ અને જરૂરિયાતમંદોને ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરીને માનવસેવાના આ સેવાયજ્ઞમાં યોગદાન આપ્યું હતું. આયોજકો દ્વારા રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓ, તબીબી ટીમ તેમજ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણીને માત્ર કાર્યક્રમ પૂરતી સીમિત ન રાખી તેને રક્તદાન અને જરૂરિયાતમંદ દર્દીઓની સેવા સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવતા આ સમગ્ર આયોજન સેવાભાવનાનું ઉદાહરણ બન્યું હતું. ઉપસ્થિત આગેવાનોએ સમાજના વધુમાં વધુ લોકોને રક્તદાન જેવી સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાવા માટે અપીલ કરી હતી.









