દાહોદ:

એહવાલ માધવ મકવાણા લીમખેડા

અનાજ કૌભાંડ છુપાવવા કોન્ટ્રાક્ટર અને ગોડાઉન મેનેજર દ્વારા પત્રકારો સામે ખોટા આક્ષેપો કરાયા હોવાનો આરોપ
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (દાહોદ જિલ્લો) દ્વારા કલેક્ટર સમક્ષ તટસ્થ તપાસ અને પત્રકારોને રક્ષણ આપવાની માંગ
દાહોદ:
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ, દાહોદ જિલ્લા દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર પાઠવી લીમખેડા તાલુકામાં સરકારી અનાજ વિતરણમાં ચાલતી ગેરરીતિઓ છતી કરનાર પત્રકારો સામે કરાયેલી ખોટી અરજી બાબતે રજૂઆત કરવામાં આવી છે.
સમગ્ર મામલાની વિગત અનુસાર, લીમખેડા તાલુકાના ઢઢેલા ગામે સસ્તા અનાજની દુકાનમાં ‘ડોર-ટુ-સ્ટેપ ડિલિવરી’ મારફતે ઓછો અનાજનો જથ્થો આપવામાં આવતો હોવાની ફરિયાદ દુકાનદાર દ્વારા સ્થાનિક મામલતદારશ્રીને કરવામાં આવી હતી. આ બાબતે મામલતદારશ્રીએ ગાડી રિપ્લેસ કરવાની સૂચના આપી હતી. આ અંગે પત્રકારો દ્વારા સત્ય હકીકત લોકો સમક્ષ ઉજાગર કરતા સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા.
સમાચાર પ્રસિદ્ધ થતાં જ કોન્ટ્રાક્ટર આસિફ મન્સૂરી તથા ગોડાઉન મેનેજર દ્વારા પોતાનું અનાજ કૌભાંડ છુપાવવા માટે DSO (જિલ્લા પુરવઠા અધિકારી) સમક્ષ પત્રકારો વિરુદ્ધ પાયાવિહોણી અને ખોટી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં પત્રકારો રસ્તામાં ગાડી રોકી ધાકધમકી આપતા હોવાના ખોટા આરોપો મુકાયા હતા. સમિતિએ સ્પષ્ટતા કરી છે કે પત્રકારો દ્વારા આવી કોઈ ધાકધમકી આપવામાં આવી નથી કે ગાડી રોકવામાં આવી નથી. પત્રકારો પાસે સંબંધિત મામલતદારશ્રી તથા પ્રાંત અધિકારીશ્રી સાથે થયેલી ટેલિફોનિક વાતચીતના ઓડિયો રેકોર્ડિંગ સહિતના તમામ પુરાવા મોજૂદ છે.
અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ તરફથી રાવલ અભેસિંહ સોનાભાઈએ માંગ કરી છે કે, અનાજ કૌભાંડીઓ સામે તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા સત્ય ઉજાગર કરતા નીડર પત્રકારોને યોગ્ય રક્ષણ અને સહયોગ પૂરો પાડવામાં આવે.







