અંબાજીમાં એવોર્ડી શિક્ષકોનું વાર્ષિક શૈક્ષણિક અધિવેશન
૨૯ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન, એસ.ટી. સ્માર્ટ કાર્ડ અને ૨૮ શિક્ષકોને વિશિષ્ટ પારિતોષિક એનાયત

વાત્સલ્યમ સમાચાર સૈયદજી બુખારી વિજાપુર
મા અંબાના પવિત્ર ધામ અંબાજી ખાતે ગુજરાત રાજ્ય (રાજ્ય અને રાષ્ટ્રીય) એવોર્ડી ટીચર્સ ફેડરેશનનું વાર્ષિક શૈક્ષણિક અધિવેશન બનાસકાંઠા જિલ્લાના યજમાન પદે યોજાયું હતું.
અધિવેશનમાં રાજ્યભરમાંથી એવોર્ડી શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરે અધ્યક્ષસ્થાનેથી શિક્ષકોને બિરદાવતાં જણાવ્યું હતું કે, મારા સિવાય મારો આખો પરિવાર શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલો છે અને મા અંબાના ધામમાં વિદ્યાદાતા ગુરુજનોનાં દર્શન કરવાનો અવસર મળ્યો તે ગૌરવની વાત છે.
પૂર્વ પ્રાથમિક શિક્ષણ નિયામક ડૉ. એમ.આઈ. જોશીએ મુખ્ય વક્તા તરીકે જણાવ્યું હતું કે, જે શિક્ષક વિદ્યાર્થીના જીવનમાં આમૂલ પરિવર્તન લાવે તે જ સાચો શ્રેષ્ઠ શિક્ષક છે. શ્રીરામ વિદ્યાલય પાલનપુરના મેનેજિંગ ટ્રસ્ટી રામચંદ્રભાઈ એસ. ગોવિંદા પણ ઉપસ્થિત રહ્યા હતા.
અધિવેશનમાં વર્ષ ૨૦૨૫માં રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર ૨૯ શિક્ષકોનું વિશેષ સન્માન કરી ગુજરાત એસ.ટી. નિગમની બસોમાં નિઃશુલ્ક મુસાફરી માટે સ્માર્ટ કાર્ડ એનાયત કરાયા હતા. જ્યારે ક્રિડા સાધના, રમત માર્ગદર્શક, વિદ્યાનિધિ, પર્યાવરણ રક્ષક, વિજ્ઞાન સાધના અને સમાજ રત્ન સહિતના વિશિષ્ટ પારિતોષિકો ૨૮ શિક્ષકોને આપવામાં આવ્યા હતા.
કારોબારી તથા સાધારણ સભામાં ફેડરેશનનું ઈ-મેગેઝીન શરૂ કરવા, નવી ડિરેક્ટરી તૈયાર કરવા અને બંધારણની પુનઃરચના અંગે મહત્વના નિર્ણયો લેવાયા હતા.
અંબાજી ટેમ્પલ કમિટીના વહીવટદાર કૌશિકભાઈ મોદી, મહેસાણા જિલ્લા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન મનુભાઈ ચોકસી તથા ટાટા મોટર્સના કનુભાઈ અગ્રવાલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહામંત્રી સંજયભાઈ પટેલે ફેડરેશનની રૂપરેખા રજૂ કરી હતી. પ્રમુખ શૈલેષભાઈ પટેલે સ્વાગત પ્રવચન અને ઉમેશભાઈ પટેલે આભારવિધિ કરી હતી.
અધિવેશનને સફળ બનાવવા બનાસકાંઠાના એવોર્ડી શિક્ષકો વીરચંદભાઈ પંચાલ, શિવરામભાઈ પ્રજાપતિ, કનુભાઈ આચાર્ય, ઉમેશભાઈ પટેલ અને ચંદુભાઈ મોદી સહિતના હોદ્દેદારોએ જહેમત ઉઠાવી હતી.








