MORBI:મોરબી એસટી બસોની અનિયમિતતા સામે વિદ્યાર્થીઓનો હોબાળો, નવા બસ સ્ટેન્ડ ખાતે કર્યો ચક્કાજામ


મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાંથી અભ્યાસ અર્થે શહેરમાં આવતા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓનો લાંબા સમયથી અંત ન આવતા આજે વિદ્યાર્થીઓનો આક્રોશ ફાટી નીકળ્યો હતો. વેણાસર તેમજ ખેવારિયા-બરવાળા રૂટ પર દોડતી એસટી બસો છેલ્લા ઘણા સમયથી અનિયમિત હોવાથી પરેશાન થયેલા વિદ્યાર્થીઓએ મોરબીના નવા બસ સ્ટેન્ડ ખાતે ઉગ્ર વિરોધ નોંધાવી ચક્કાજામ કરી દીધો હતો.

વિદ્યાર્થીઓએ એકત્રિત થઈને બસ સ્ટેન્ડના બંને પ્રવેશ અને નિકાસ માર્ગો બ્લોક કરી દીધા હતા. જેના કારણે એસટી બસોની અવરજવર સંપૂર્ણપણે થંભી ગઈ હતી અને મુસાફરો પણ અટવાયા હતા. રોષે ભરાયેલા છાત્રોએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી નિયમિત બસ સંચાલનની માંગ કરી હતી.

બિજી બાજું વિદ્યાર્થીઓનો પક્ષ અને મુશ્કેલી એક જ બસનું સંચાલન: ઘાંટીલા અને વેણાસર એમ બે અલગ-અલગ રૂટ માટે વાસ્તવમાં ૨ બસોની જરૂરિયાત છે, તેની સામે ડેપો દ્વારા માત્ર ૧ જ બસ દોડાવવામાં આવી રહી છે.એક જ બસ હોવાથી મુસાફરો અને વિદ્યાર્થીઓ સમાઈ શકતા નથી, જેના કારણે દરરોજ જીવના જોખમે ખીચોખીચ ભીડમાં મુસાફરી કરવી પડે છે.અગાઉ રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતાં આજે વિદ્યાર્થીઓ ડેપો ખાતે પહોંચ્યા હતા. ત્યાં બીજી બસ મૂકવાનો સ્પષ્ટ ઈનકાર કરી દેવાતાં અને સંતોષકારક જવાબ ન મળતાં વિદ્યાર્થીઓએ નાછૂટકે વિરોધ પ્રદર્શનનો રસ્તો અપનાવવો પડ્યો હતો.ડેપો મેનેજરની સ્પષ્ટતા અને બચાવ – વેણાસર રૂટ હાલ બંધ: ડેપો મેનેજરે જણાવ્યું હતું કે હાલ વેણાસર રૂટની બસ બંધ રાખવામાં આવી છે : લોકપ્રસિદ્ધ મેળાના કારણે ૧૦ થી ૧૨ વધારાની બસો ફાળવવામાં આવી છે, જેમાં ૧૦ ડ્રાઈવર, ૫ કંડક્ટર અને ૫ મશીન પણ કાર્યરત કરાયા છે. આ મેળો ૭ તારીખ સુધી ચાલવાનો હોવાથી સંચાલનમાં થોડો ફેરફાર કરવો પડ્યો છે. વિદ્યાર્થીઓ છેલ્લા છ મહિનાથી પરેશાન હોવાના દાવાને મેનેજરે નકારતા જણાવ્યું હતું કે, રક્ષાબંધન, સાતમ-આઠમના તહેવારો, શનિ-રવિવાર અને મેળાના ભારણને લીધે જ આ કામચલાઉ સ્થિતિ સર્જાઈ છે. ૧૦ દિવસ પહેલાં થયેલી રજૂઆત વખતે પણ વિદ્યાર્થીઓને સ્થિતિ સમજાવી સહકાર આપવા જણાવાયું હતું.

વિદ્યાર્થીઓના ચક્કાજામના પગલે એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને શાંત પાડી આગામી ૨ દિવસમાં આ રૂટ પરની અનિયમિતતા દૂર કરી યોગ્ય નિરાકરણ લાવવાની લેખિત/મૌખિક ખાતરી આપી હતી. અધિકારીઓની ખાતરી મળ્યા બાદ, આશરે પોણા કલાક ચાલેલો આ ચક્કાજામ આખરે સમેટાયો હતો અને બસ વ્યવહાર પૂર્વવત થયો હતો.









