16 સપ્ટેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે ડો.જી.એન.ચૌધરી ની વિશેષ ઉપસ્થિતિમાં તથા શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના સંયુક્ત ઉપક્રમે ગુજરાત આંજણા ચૌધરી સમાજની ચિંતન શિબિર યોજાઈ. જેમાં સામાજિક અને શૈક્ષણિક સંસ્થાના હોદ્દેદારશ્રીઓ, સમાજના શ્રેષ્ઠીશ્રીઓ, વિવિધ ગોળના આગેવાનશ્રીઓ તથા સમાજની બહેનો અને યુવાનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રાગટ્ય કરી સમાજની કુળદેવી શ્રી અર્બુદા માતાજીની ભાવ વંદનાથી કરવામાં આવી હતી. શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી કે.કે.ચૌધરીએ “સમાજ એટલે એક વિચાર, સમાજ એટલે એક સંસ્કાર, સમાજ એટલે જીવન જીવવાનું ભાથું” વિશે પ્રેરણાત્મક વિચારો પ્રગટ કરી સમાજના સૌ શ્રેષ્ઠીશ્રીઓ, આગેવાનો, વડીલો, યુવાનો અને બહેનોનું આદર્શ શૈક્ષણિક સંકુલ વતી હાર્દિક સ્વાગત કરી અભિવાદન કર્યું હતું.પ્રાસંગિક પ્રવચનમાં મુખ્ય પ્રવક્તા ડો.જી.એન.ચૌધરી (પૂર્વ પ્રાચાર્ય, ડાયટ, કુકસ) એ “આપણી સ્માર્ટ પેઢીની સાચવણી અને ખીલવણી એ જ આજના સમયની સાચી સમજદારી” એ વિષય અન્વયે સમાજમાં જન-જાગૃતિ, સામાજિક વારસો, આનુવંશિકતા, શિક્ષણ અને સમાજ, સમૂહ જીવન, સામાજિક કુરિવાજો, લગ્ન વિષયક સમસ્યાઓ, સમાજમાં વ્યસનનું પ્રમાણ, આજીવિકા, આદર્શ કુટુંબ વ્યવસ્થા, કૃષિ અને પશુપાલન વ્યવસાયની અસ્મિતા, અંધશ્રદ્ધા વગેરે વિશે પ્રેરણાદાયી પ્રવચન આપી સમાજના યુવાનો અને યુવતીઓમાં ખુમારી, દાતૃત્વ, સ્વમાન, આતિથ્યભાવ, શારીરિક સૌંદર્ય, નેતૃત્વ, તેજસ્વિતા જેવા ગુણોનું સિંચન અને સંવર્ધન થાય તે દિશામાં યોગ્ય પ્રયત્નો કરવા સૌને પ્રેરણા પૂરી પાડી હતી.સંસ્થાના કેળવણી મંડળના મંત્રીશ્રી ડૉ..વી.વી.ચૌધરી, શિક્ષણ સમિતિના પ્રમુખશ્રી ડૉ.સુરેશભાઈ ચૌધરી તથા ડૉ. ભગુભાઈ ચૌધરી (નિવૃત પ્રોફેસર, ખેરાલુ કોલેજ), ભવાનભાઈ ચૌધરી (પ્રમુખશ્રી, અ.આં.કે.મં. રાધનપુર,), સાગર ચૌધરી (સામાજિક કાર્યકર) વગેરે એ “21 મી સદી એટલે ટેક્નોલોજીની સદી” અને અને ટેક્નોલોજીના સમન્વય સાથે સમાજના યુવાનોમાં “શિક્ષણ અને સંસ્કારોનું સિંચન” વિશે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સમાજના અન્ય શ્રેષ્ઠીશ્રીઓએ પણ પ્રેરણાદાયી પ્રતિભાવો રજૂ કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આભાર વિધિ શિક્ષણ સમિતિના સભ્યશ્રી ખુમજીભાઈ ચૌધરીએ કરી હતી. સૌએ સ્વરુચિ ભોજન સાથે લીધું હતું.
આમ સૌના સાથ- સહકારથી કાર્યક્રમનું સુચારુ આયોજન થયું હતું.









