વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના જનસેવા કાર્યની ઉજવણી અંતર્ગત ‘સેવા સંકલ્પ અભિયાન’ના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં યોજાયેલા ‘આશીર્વાદ કા દિયા’ કાર્યક્રમ અંતર્ગત પરબધામ, ખાતે ભાવસભર કાર્યક્રમ યોજાયો હતો. પરબધામના મહંતશ્રી કરશનદાસ બાપુના આશીર્વાદ સાથે મંદિરની આરતી સમયે ૫ હજારથી વધુ ‘આશીર્વાદ કા દિયા’ પ્રગટાવી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે પરબધામના મહંતશ્રી કરશનદાસ બાપુએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિનની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, આજના દિવસે ભારતમાં નવા સૂર્યનો ઉદય થયો છે. પરમાત્મા વડાપ્રધાનશ્રીને સૂર્ય જેવી ઊર્જા, રુદ્ર જેવી શક્તિ તથા દેશના વિકાસના માર્ગમાં આવતા વિઘ્નો સામે સમુદ્ર જેવી શીતળતા અને ધૈર્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના સાથે આશીર્વાદ પાઠવ્યા હતા. આ તકે પૂર્વ મંત્રી તથા સંગઠનના જૂનાગઢ જિલ્લા પ્રભારી શ્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૨૫ વર્ષના જનસેવા કાર્ય નિમિત્તે પરબધામ ખાતે ૫ હજારથી વધુ ‘આશીર્વાદ કા દિયા’ પ્રગટાવી જન્મદિનની શુભકામનાઓ પાઠવવામાં આવી છે. આ દીવાઓના પ્રકાશ સાથે વડાપ્રધાનશ્રીને દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને વર્ષ ૨૦૪૭ સુધી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા વધુ શક્તિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.મંદિરની આરતી સમયે એકસાથે પ્રગટેલા ૫ હજારથી વધુ દીવાઓથી પરબધામનું સમગ્ર પરિસર ભક્તિ અને શુભેચ્છાના પ્રકાશથી ઝળહળી ઊઠ્યું હતું. ‘આશીર્વાદ કા દિયા’ કાર્યક્રમમાં નાગરિકોની સહભાગિતાથી સેવા, સંકલ્પ અને જનભાગીદારીનો ભાવ ઉજાગર થયો હતો. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી વિસાવદર શ્રી ચિરાગ હિરવાણીયા, મામલતદારશ્રી ભેંસાણ શ્રી આઈ. આર. પારધી, તાલુકા વિકાસ અધિકારીશ્રી ભેંસાણ શ્રી ઉદયસિંહ ખેર, સંગઠનના જૂનાગઢ જિલ્લા મહામંત્રી શ્રી ઉમેશભાઈ બંભરોલીયા, સાધુ-સંતો, ભક્તજનો, સ્થાનિક આગેવાનો, શાળાના બાળકો તેમજ તાલુકા વહીવટીતંત્રના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ











