તારીખ ૧૮/૦૯/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ
દેશના વડાપ્રધાન અને ગુજરાતના સપૂત નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે કાલોલ તાલુકામાં સાંસદ રાજપાલસિંહ જાદવની ઉપસ્થિતિમાં વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.જેમાં શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે એક અનોખી સેવાકીય પહેલ હાથ ધરવામાં આવી હતી. જ્યાં ટ્રસ્ટ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યની 28 જ્ઞાતિઓ દ્વારા સંચાલિત 13,400 વૃદ્ધાશ્રમોમાં ‘વસ્ત્ર તથા પ્રસાદ વિતરણ’નો ભવ્ય કાર્યક્રમ તેમ જ કાલોલ ના મધવાસ ગામે આવેલા ગૌષ્ણેશ્વર મહાદેવ મંદિરે સાંસદ આગેવાની અને અધ્યક્ષસ્થાને પૂજા તથા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેના ભાગરૂપે કાલોલ તાલુકાના ડેરોલ ખાતે આવેલ વૃદ્ધાશ્રમના કાર્યક્રમમાં પંચમહાલના સાંસદ રાજપાલસિંહ જાદવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વડીલોને વસ્ત્ર અને પ્રસાદનું વિતરણ કરી તેમના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, સમાજના વડીલોની સેવા એ આપણી સામૂહિક જવાબદારી છે અને આવા સેવાકાર્યો સમાજમાં માનવતા તથા સામાજિક સમરસતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.ત્યારબાદ કાલોલ તાલુકાના મધવાસ ગામે આવેલ ગૌષ્ણેશ્વર મહાદેવ મંદિર ખાતે સાંસદ દ્વારા “આશીર્વાદનો દીવો” પ્રગટાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય તથા દેશસેવાના પથ પર અવિરતપણે યશસ્વી કામગીરી કરતા રહે તે માટે વિશેષ પ્રાર્થના કરી મહાઆરતી નો કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમના અંતે મંદિર પરિસરમાં સાંસદ સહિત કાર્યકરોએ સ્વચ્છતા કાર્યક્રમમાં શ્રમદાન કરી સેવાનો સંદેશ આપ્યો હતો.












