ફૈઝ ખત્રી..શિનોર

શિનોર તાલુકાના સાંધા ગામની નવી નગરી વિસ્તારમાં પીસાઈ તરફ જવાના રોડ પર નરેન્દ્ર વસાવા પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ મજૂરી તેમજ પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
નરેન્દ્ર વસાવાના જણાવ્યા મુજબ, 18 સપ્ટેમ્બરની વહેલી સવારે આશરે 2થી 4 વાગ્યાના સમયગાળા દરમિયાન અજાણ્યા ઈસમોએ તેમના ઘરના પાછળના ભાગે આવેલા ઓરડામાં ખીલા સાથે દોરડાથી બાંધેલા આશરે 24 જેટલા બકરાંના દોરડા કાપી તેમને ચોરી જઈ ગયા હતા.
આ ઘટનાની જાણ નરેન્દ્ર વસાવાને વહેલી સવારે આશરે 5 વાગ્યે થઈ હતી. ત્યારબાદ તેમણે તાત્કાલિક ગામના સરપંચ મનોજભાઈ પાટણવાડિયાને જાણ કરી હતી. સરપંચ દ્વારા સમગ્ર ઘટનાની જાણ શિનોર પોલીસને કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
એકસાથે આશરે 24 જેટલા બકરાં ચોરી જવાની ઘટનાને કારણે પશુપાલન પર નિર્ભર નરેન્દ્ર વસાવાના પરિવારની ચિંતામાં વધારો થયો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી ચોરોને ઝડપી બકરાં પરત અપાવે તેવી નરેન્દ્ર વસાવા ધ્વારા માંગ કરવામાં
આવી છે.










