વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

આંખોના ક્ષેત્રે સેવાભાવ અને શ્રેષ્ઠ તબીબી સેવાઓ માટે જાણીતી રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ–નવસારી દ્વારા આંખોની સેવાકીય પ્રવૃત્તિના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે “સ્નેહોત્સવ”નું આયોજન કરવામાં આવ્યું છે. સંસ્થાની સ્થાપનાથી આજદિન સુધીની સેવાયાત્રાને યાદ કરી અનેક સેવાભાવીઓ અને તબીબોના યોગદાનને સન્માનિત કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી મુજબ, ડૉ. રતિલાલ ગોપાલજી દેસાઈ દ્વારા નવસારીમાં આંખોની સારવાર માટે હોસ્પિટલની કલ્પના રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ રોટરી ક્લબ નવસારીના સહયોગથી આંખની હોસ્પિટલના નિર્માણ માટે પ્રયત્નો હાથ ધરાયા અને રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટની સેવાયાત્રાનો પ્રારંભ થયો.સંસ્થાની શરૂઆતથી જ અનેક તબીબો, રોટરી સભ્યો તથા સેવાભાવીઓએ સંસ્થાના વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. સમય જતાં સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરતી ગઈ અને આંખોની સારવાર ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી.
રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટમાં વર્ષોથી મોટી સંખ્યામાં દર્દીઓની તપાસ, ઓપરેશન અને સારવાર કરવામાં આવી રહી છે. સંસ્થામાં મોતિયાના ઓપરેશન સહિત વિવિધ પ્રકારની આંખની સારવારની સુવિધાઓ ઉપલબ્ધ છે. જરૂરિયાતમંદ દર્દીઓને સારવાર માટે વાહન વ્યવસ્થા સહિતની સેવાઓ પણ આપવામાં આવે છે.સંસ્થા દ્વારા તબીબી સેવાઓ ઉપરાંત શૈક્ષણિક પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવે છે. વિવિધ તાલીમ અને તબીબી શિક્ષણ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ દ્વારા નવી પેઢીના તબીબોને પણ માર્ગદર્શન મળે છે. સંસ્થામાં કોર્નિયા, ગ્લુકોમા, રેટિના, મોતિયા ઓપરેશન, ઈન્ટ્રા ઓક્યુલર લેન્સ, પીડિયાટ્રિક ઓપ્થેલ્મોલોજી, ઓક્યુલોપ્લાસ્ટી, ન્યુરો ઓપ્થેલ્મોલોજી સહિત વિવિધ વિશેષ સેવાઓ ઉપલબ્ધ હોવાની માહિતી મળી છે. ઉપરાંત લેસિક, કોન્ટેક્ટ લેન્સ, વિઝ્યુઅલ ક્લિનિક, માયોપિયા ક્લિનિક અને ડ્રાય આઈ ક્લિનિક જેવી સેવાઓ પણ કાર્યરત છે.વર્ષની આ સેવાયાત્રા માત્ર એક સંસ્થાની સિદ્ધિ નહીં પરંતુ આંખોની રોશની જાળવવા માટે સમર્પિત તબીબો, રોટરી સભ્યો, સેવાભાવીઓ અને સમગ્ર ટીમની નિષ્ઠાનું પ્રતિબિંબ છે. “સ્નેહોત્સવ”ના માધ્યમથી આ સેવાયાત્રામાં યોગદાન આપનાર તમામનો આભાર અને સન્માન વ્યક્ત કરવામાં આવશે.









